આણંદ અને ખેડા જિલ્લાની વિવિધ અર્બન સહકારી બેંકોના હોદ્દેદારો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તા. 17 ઓક્ટોબર, 2026ના રોજ શનિવારે સહકાર ભારતી અર્બન બેંક પ્રકોષ્ઠની ચિંતન બેઠક યોજાઈ હતી. તારાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં સહકારી બેંકોના વિકાસ અને સહકાર ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે (જીવણ દાદા), ગુજરાત પ્રદેશ અર્બન બેંક પ્રકોષ્ઠના સહસંયોજક કેતનભાઈ પટેલ, સહકાર ભારતી આણંદ વિભાગના સહસંયોજક શિતલભાઈ ભટ્ટ, સહકાર ભારતી આણંદ જિલ્લાના અધ્યક્ષ કમલેશભાઈ સી. પટેલ (જહાજ), મંત્રી કાર્તિકભાઈ પટેલ તેમજ આણંદ જિલ્લા અર્બન બેંક પ્રકોષ્ઠના પ્રમુખ ઠાકોરભાઈ જે. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સહકારી બેંકોના વિકાસ અને કાયદાના અમલ અંગે ચર્ચા
ચિંતન બેઠક દરમિયાન અર્બન સહકારી બેંકોના વિકાસ, વર્તમાન સમયમાં સહકારના સિદ્ધાંતોનું મહત્વ, સહકારી કાયદા-કાનૂનના અસરકારક અમલ અને ‘સહકારથી સમૃદ્ધિ’ના વિચારને સાકાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત બેંકોના પ્રતિનિધિઓને સહકારી ક્ષેત્રની કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
બેઠકમાં આણંદ અને ખેડા જિલ્લાની અર્બન, નાગરિક, પીપલ્સ તથા મર્કન્ટાઇલ સહકારી બેંકોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સહકાર ભારતીના બંને જિલ્લાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી બેંકો વચ્ચે પરસ્પર સંકલન વધે અને સહકાર ક્ષેત્રનો વધુ વિકાસ થાય તેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકનું સન્માન
આ બેઠક દરમિયાન ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની સ્થાપનાને 115 વર્ષથી વધુ સમય પૂર્ણ થયો હોવાના પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સહકાર ભારતીના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેંકના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તારાપુર અર્બન બેંકની મહત્વપૂર્ણ ભૂમિકા
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તારાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક યજમાન બની હતી. બેંકના હોદ્દેદારો અને કર્મચારીઓએ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સહકારી ક્ષેત્રના વિકાસ, માર્ગદર્શન અને પરસ્પર સહયોગના ઉદ્દેશ સાથે યોજાયેલી આ ચિંતન બેઠકમાં આણંદ અને ખેડા જિલ્લાના સહકારી બેંકિંગ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો.

