રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9(ક) હેઠળ લાગુ કરવામાં આવશે.
સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ઘટાડો, માત્ર 20% રકમ ભરવી પડશે
રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: આ નવા નિર્ણય અનુસાર, સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા મિલકતની તબદીલી માટે ભરવાપાત્ર 100% સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી 80% માફ કરવામાં આવશે. હવે માત્ર 20% ડ્યુટી અને સંબંધિત દંડની રકમ જ વસૂલવામાં આવશે. આનથી મધ્યમ અને નીચલા-મધ્યમ વર્ગના પરિવારો પર નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઘટશે, જેનાથી મિલકતની માલિકીને નિયમિત કરવાની પ્રક્રિયા વધુ સસ્તી અને સરળ બનશે.
નાગરિકોની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓને કારણે અગાઉ આવા ટ્રાન્સફરમાં નાણાકીય બોજ વધુ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે, જે નાગરિક-કેન્દ્રિત અને હકારાત્મક અભિગમને દર્શાવે છે. આ નિર્ણયથી નાગરિકોને દંડની રકમનો વધારાનો બોજ નહીં સહન કરવો પડે, અને કુલ ચૂકવવાપાત્ર રકમ અગાઉની મૂળ ડ્યુટી જેટલી જ રહેશે.
કઈ ટ્રાન્સફર પ્રક્રિયાઓને લાગુ પડશે આ છૂટ?
આ છૂટની જોગવાઈઓ માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવેલી મિલકત તબદીલીઓ માટે જ લાગુ પડશે. આ નિર્ણય ગુજરાતના હજારો પરિવારોને લાભ આપશે, જેઓ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાં મિલકતની માલિકીને નિયમિત કરવા માગે છે.
મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા
ગુજરાતમાં કો-ઓપરેટિવ સોસાયટીઓ અથવા એસોસિએશન્સમાં મિલકતની તબદીલી માટે સામાન્ય રીતે એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ સાથે ટ્રાન્સફર ડીડ સ્થાનિક સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં સબમિટ કરવું પડે છે. આ પછી, ઓળખ, ટાઇટલ ક્લિયરન્સ અને એન્કમ્બરન્સ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે છે, અને નવા માલિકનું નામ નોંધાય છે. નોંધણી પછી, અપડેટેડ શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર ટ્રાન્સફરીને આપવામાં આવે છે, અને જમીન રજિસ્ટ્રી તથા મ્યુનિસિપલ રેકોર્ડ્સ અપડેટ કરવામાં આવે છે.
નાગરિકો માટે શું ફાયદો?
આ નિર્ણયથી ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયામાં નાણાકીય રાહત મળશે. અગાઉ 100% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી હતી, જે ઘણીવાર નાણાકીય બોજરૂપ બનતી હતી. હવે 80% છૂટ સાથે, નાગરિકો માટે મિલકતની માલિકીને કાયદેસર રીતે નોંધવી વધુ સરળ અને આર્થિક રીતે સુલભ બનશે.
આ પણ વાંચો- શામળાજીમાં ATMમાં લૂંટ કરીને તસ્કરો 5.50 લાખ લઈને ફરાર, સીસીટીવીમાં ઘટના કેદ