અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે તંત્ર દ્વારા ખૂબ જ સચોટ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: રથયાત્રા રૂટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ફાયર વિભાગે પણ પહેલીવાર એઆઈ (AI – આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદ લીધી છે. આ ટેક્નોલોજી દ્વારા શહેરના 13 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. આગ જેવી ઘટના બને તો ફાયર વિભાગ માત્ર 2થી 4 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સાથે, સમગ્ર યાત્રા દરમિયાન રાજ્ય પોલીસ દ્વારા રૂટ પર 3,500 CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
રથયાત્રા દરમિયાન શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસ, SRP, ATS સહિત કુલ 23,884 જવાનો ખડેપગે રહેશે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ યાત્રા રૂટની સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની મૌખિક સમીક્ષા કરી હતી.
ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન હેઠળ, રથયાત્રાના મુખ્ય રૂટ પર આવેલા કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ ટ્રાફિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, કોર્પોરેશન ઓફિસ, સરસપુર, મેમ્કો, નરોડા ફૂટ માર્કેટ, જીનિંગ પ્રેસ અને શાહપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
તદુપરાંત, ટ્રાફિક અવરોધ ન થાય અને કોઈ પણ પ્રકારની અફરાતફરીના બનાવો સામે ન આવે તે માટે શહેરની અંદર કુલ 31 સ્થળોને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, આસ્ટોડિયા દરવાજા, કાલુપુર બ્રિજ, સારંગપુર સર્કલ, શાહપુર ચકલા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.
શહેરવાસીઓને તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે કે રથયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરે, નક્કી કરેલા રસ્તાઓ પર વાહન ન રાખે અને પોલીસ તેમજ ફાયર વિભાગ સાથે સહયોગ આપે. આ ભવ્યાતિભવ્ય રથયાત્રા ધાર્મિક શ્રદ્ધા ઉપરાંત શહેર માટે સામૂહિક સંસ્કૃતિ અને સંકલનનું દ્રષ્ટાંત બની રહે તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો- મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ: પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂરનો આનંદ માણો!