America Iran Ceasefire : પશ્ચિમ એશિયામાં મંડરાઈ રહેલો મહાવિનાશનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આજની રાતે થનારા ભયાનક હુમલાઓને હાલ પૂરતા સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી બે અઠવાડિયા માટે ‘દ્વિપક્ષીય યુદ્ધવિરામ’ (Double-sided Ceasefire) લાગુ થશે.
America Iran Ceasefire: પાકિસ્તાનની મધ્યસ્થી અને ટ્રમ્પનો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આ મહત્વનો નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે થયેલી વાતચીત બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની નેતાગિરીએ અમેરિકાને ઈરાન પર થનારા વિનાશક હુમલા રોકવાની વિનંતી કરી હતી, જેને ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી લીધી છે.
યુદ્ધવિરામની સૌથી મોટી શરત: ‘હોર્મુઝ જળમાર્ગ’ ખોલવો
આ યુદ્ધવિરામ એક ખૂબ જ મોટી શરત પર આધારિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તાત્કાલિક ધોરણે અને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz – હોર્મુઝ જળમાર્ગ) ને જહાજોની વ્યવસાયિક અવરજવર માટે ખોલવો પડશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ પોતાના તમામ સૈન્ય ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે અને ધાર્યા કરતા વધુ સફળતા મેળવી છે.
ઈરાનનો 10 મુદ્દાનો પ્રસ્તાવ અને કાયમી શાંતિની આશા
આ સીઝફાયર વચ્ચે ઈરાને પણ શાંતિ માટે 10 મુદ્દાઓનો એક પ્રસ્તાવ મોકલ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને શાંતિ વાટાઘાટો માટેનો એક વ્યાવહારિક આધાર માન્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચેના લગભગ તમામ જૂના વિવાદો પર સહમતિ બની ચૂકી છે. આ બે અઠવાડિયાનો સમયગાળો બંને દેશો વચ્ચેની આ ઐતિહાસિક સમજૂતીને આખરી ઓપ આપવા અને તેનો જમીની સ્તરે અમલ કરવા માટે આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહાવિનાશ યુદ્વને રોકવા પાકિસ્તાનના PMએ ટ્રમ્પ અને ઈરાન બંનેને કરી આ મોટી અપીલ

