VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે VSSM સંસ્થા ઘણા વર્ષોથી વિચરતી જાતિના વિકાસ માટે કામ કરી રહી છે, આ સંસ્થાની સરાહનીય કામગીરી બદલ મિતલ બેન પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે.સુરેન્દ્રનગરના ભડવાણા ગામમાં  6 મકાનો વિચરતી જાતિના સમુદાયના લોકોને ફાળવવામાં આવ્યા છે ત્યારે આ વિચરતી જાતિ માટે જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે તે અંતર્ગત તમામ બાબતોની રજૂઆત આપણે મિતલ પટેલના શબ્દશ:જાણીશું….

ઘર ગમે એવા થ્યા છે ને હકીમભા?”
“હા બેન બા. મને એંસી વર્ષ થ્યા. જનમ્યા ક્યાં એય ક્યાં ખબર હતી. સરનામાંય નહોતા. પણ તમે પ્રયત્ન કર્યા ને જુઓ આજે અમે ઘરવાળા થ્યા. આ બુઢ્ઢી આંખો ઘર જોઈને રાજી થઈ. અલ્લાહ તમારુ હારુ કરે”

સુરેન્દ્રનગરના ભડવાણામાં રહેતા ડફેર પરિવારોના ત્યાં 2006 થી જવું. આમ તો ગુજરાતમાં રહેતા અનેક વિચરતા પરિવારોના ડંગામાં 2006 થી જવાનો નિત્યક્રમ. એ વખતે મોટાભાગના પાસે ઓળખના પુરાવા નહીં. એ મળે એ માટે ખુબ મથ્યા ને સૌ ઓળખાણવાળા થયા.

એ વેળા સંકલ્પ કરેલો ઝૂંપડામાં- વગડામાં રહેતા પરિવારોને પોતાના પાક્કા ઘરવાળા કરવાનો. વર્ષોથી એ માટે ખૂબ મથીએ. પણ કહે છે ને સમય આવે જ બધુ થાય. આજના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની લાગણી ને એમાં વડાપ્રધાનશ્રીનો સૌને પોતાના ઘરવાળા કરવાનો સંકલ્પ ભળ્યો. સુરેન્દ્રનગરનું જિલ્લા વહીવટી તંત્ર પણ પડખે. કે. રાજેશ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રીને પણ યાદ કરવા પડે. આ બધાની લાગણીથી ભડવાણામાં રહેતા પરિવારોને વર્ષો પછી પ્લોટ મળ્યા ને સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મારફત પાક્કા ઘર પણ થયા.

ડફેર પરિવારોનો ઈતિહાસ ઉજળો નહીં. વખાના માર્યા પહેલા ક્યાંક ચોરી કરી લેતા. રોજગારનો અભાવ. સમાજની ધૃણાભરી દૃષ્ટિ એ બધુયે ક્યાંક કારણભૂત. પણ અમે એમને પ્રેમ આપ્યો. પૂ. મોરારી બાપુએ વિચરતી જાતિ માટે 2011માં રામકથા કરી ત્યારે નવ દિવસ ડફેરના ઝૂંપડે જમ્યા. અમે એમને ગામ સાથે ભેળવવા કોશીશ કરી. પરિણામે હવે એમના ડંગા ગામ નજીક નંખાવવા માંડ્યા. પૂરાવા પણ બન્યા ને ભડવાણા જેવા ગામે પહેલ કરીને રહેવા જમીન ફાળવી.

ગુજરાતમાં બહુ જૂજ ગામો ડફેર પરિવારો માટે આવી પહેલ કરે એ રીતે ભડવાણા નોખુ ને એમાં ગામના ભૂતપૂર્વ સરપંચ કુલદીપસિંહ નો ફાળો મોટો. કોઈ વ્યક્તિ ગુનેગાર હોય એમ માની એને તરછોડવા કરતા એને અપનાવવું અગત્યનું. અમને તો આ બધા અમારા અદના સ્વજનો લાગે. ખૂબ વહાલ પણ કરે.. કદાચ આ વહાલના પ્રતાપે જ આજે મોટાભાગના ડફેર પરિવારો નાના મોટા ધંધે વળગી ગયા. અમે કહીએ કે, તમારા નામ ખોટી બાબતોમાં આવે તો અમને ગમે નહીં. બસ આ નાનકડી વાતે આખો સમાજ મહેનતના માર્ગે વળ્યો.

આવા ડફેર પરિવારોના છ ઘર ભડવાણામાં બંધાયા. સરકારે પ્લોટ આપ્યો ને મકાન બાંધવા 1.32 લાખ આપ્યા પણ આ રકમમાં ઘર ન બંધાય. વળી આ બધાને ભવિષ્યમાં બીજો માળ બાંધી શકાય તેવા મજબૂત બે મોટા રૃમવાળા ઘર જોઈએ.આ મનોકામના પૂર્ણ કરવા VSSM સાથે સંકળાયેલા આદરણીય કુમુદબેન રશ્મીકાંતભાઈ શાહે (લાયનકલ્બ ઓફ શાહીબાગ- અમદાવાદ), આદરણીય કિશોરભાઈ પેટલે – પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં, શ્રી પ્રતુલભાઈ શ્રોફ- ડો.કેઆર શ્રોફ ફાઉન્ડેશન, ALAKHS Family – શ્રી ચેતનભાઈ, પૂ. શ્રમીતી લલિતાબેન અને શ્રી નવલચંદભાઈ તેમજ પૂ.શ્રીમતી અરવિંદાબેન અને શ્રી રમણીકલાલ કોઠારીના પૂણ્ય સ્મરણાર્થે સહયોગ તેમજ જેમના ઘર બંધાઈ રહ્યા છે એ પરિવારોએ પણ નાનકડી રકમ ઘર બાંધકામમાં આપી. આમ સૌના સહયોગથી બે રૃમ, ટોલયેલ, બાથરૃમ સાથેના સરસ ઘર બંધાયા. આપ સૌના અમે આભારી છીએ.

આદરણીય કિશોર અંકલની લાગણીથી હાલમાં 250 થી વધારે પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે જ્યારે પ્રતુલભાઈની મદદ પણ મોટી. અમારી આખી ટીમને મજબૂત કરવા, દોડાદોડી કરવા ને એ સિવાય પણ જ્યાં કોઈની મદદ નથી ત્યાં પ્રતુલભાઈ- KRSF અમારી સાથે.. આવા સ્વજનો સાથે હોવાનો રાજીપો.. આપ સૌની લાગણીને પ્રણામ કરીએ છીએ.

ઘરો બંધાયા પછી આ પરિવારોનો ગૃહપ્રવેશ કરાવવા લખતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી. કે. પરમાર તેમજ સુરેન્દ્રનગરના ભાવના રોડવેઝ ના ડાયરેક્ટર શ્રી માધવીબેન શાહ, સુરેન્દ્રનગરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તૃપ્તિબેન શુક્લ અને અન્ય ઘણા સ્વજનો હાજર રહ્યા.ધારાસભ્ય શ્રીએ આ પરિવારોને શુભેચ્છા પાઠવી. તેમજ પોતાના મત વિસ્તારમાં વિચરતી જાતિના જેટલા પણ પરિવારો ઘર વગરના છે તેની વિગત આપવા જણાવ્યું જેથી એ તમામને ઘરવાળા કરી શકાય. જ્યારે માધવીબેન અને તૃપ્તિબેન તો અમારા અદના સ્વજન હંમશા અમારી સાથે એમણે પણ શુભેચ્છા પાઠવી.
જ્યારે જેમના ઘર બંધાયા એ પરિવારો તો રાજી રાજી..

VSSMની આખી ટીમની આમાં ઘણી મહેનત. સુરેન્દ્રનગરના અમારા કાર્યકર હર્ષદભાઈની સતત દોડાદોડી. અને એમના સહયોગમાં પ્રાજક્તા,પ્રવિણ, નિતીનભાઈ, પ્રવિણભાઈ, ચેતનભાઈ, મૌલિકભાઈ, લીનેશભાઈ,પરમભાઈ વગેરે સતત રહ્યા. સંસ્થાનું ટ્રસ્ટી મંડળ પણ આ બધા કામમાં સતત સાથે… મજબૂત ટીમ વર્ક વગર આવા કાર્યો પાર ન પડે. આવી સાથીઓ સંસ્થા સાથે હોવાનો રાજીપો.

VSSM એ સરકારની અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત તેમજ ક્યાંક માત્ર સ્વજનોની મદદથી 1751 ઘર બાંધ્યા. આ આંકડો વધતો જ જાય ને અનેક સ્વજનો આ કાર્યમાં સહભાગી થતા જાય તેવી કુદરતને નિત પ્રાર્થના કરીએ..
નવું ઘર આ બધા પરિવારોને ફળે ને સૌ એમાં સુખી થાય એવી શુભભાવના….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *