ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે નડિયાદની એક્વાયસ હોટલ ખાતેવર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ધ્રુવે ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા .આ સાથે જિલ્લાના RCHO ડૉ. પઠાણ , DTO ડૉ. બારોટ , EMO ડૉ. પઠાણ અને જિલ્લાના વહીવટી અધિકાઓ પણ ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી નિવૃત્ત થયેલા કુલ ૭ ફાર્માસિસ્ટોને શાલ અને પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. વળી, નવી નિમણૂંક પામેલા અને અન્ય જિલ્લાઓમાંથી બદલીથી આવેલા કુલ ૭ ફાર્માસિસ્ટોનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરીને જિલ્લા ફાર્માસિસ્ટ પરિવારમાં તેમનો આવકાર કરવામાં આવ્યો હતો. ફાર્માસિસ્ટ એસોસિએશને આ માનવીય અભિગમ સાથે એક મોટી જાહેરાત પણ કરી હતી કે તેઓ જિલ્લાના ક્ષય (TB) રોગના દર્દીઓ માટે કુલ ૫૧ ન્યુટ્રીશન કીટ (પોષણ કીટ) આપશે, જે તેમની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના નવીન હોદ્દેદારોની પણ સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખશ્રી પ્રદિપસિંહ ડાભી, ઉપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી શ્રી પ્રદિપભાઈ પટેલ, સહમંત્રી પ્રિયંકાબેન ખેરાલા, કન્વીનર શ્રી કિન્તેશભાઈ શર્મા અને ટ્રેઝરર શ્રી જીગ્નાન્શુભાઈનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ફાર્માસિસ્ટોએ જન સુખાકારી માટે સરકારી સેવાઓ વધુને વધુ સુદ્રઢ કરવા અને દરેક દર્દીઓને પુરતા પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાવાળી દવાઓ આપીને જન સુખાકારી વધારવાના પ્રયત્નો માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ લીધો હતો.
આ પણ વાંચો: યુરોપના 29 દેશોની મુસાફરી માત્ર એક જ વિઝા પર! જાણો શું છે શેંગેન વિઝા અને તેના લેટેસ્ટ નિયમો