ગુજરાતના દરિયાકાંઠે ₹1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતમાં જેમ દરરોજ દારૂ પકડાતો હોય તેમ હવે ડ્રગ્સ પણ વારંવાર ઝડપાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે મધરાતે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે.ગઈકાલે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન લગભગ ₹1800 કરોડની કિંમતના 300 કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઝડપવામાં આવ્યા છે. પોરબંદરથી આશરે 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન 12મી અને 13મી એપ્રિલની રાતે ચાલ્યું હતું.

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આવી જ એક કાર્યવાહીમાં ATS અને ICGએ એક બોટ જપ્ત કરી છે, જેમાં મોટી માત્રામાં નશીલો પદાર્થ ભરેલો હતો. બોટ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોને જોતા ડ્રગ્સ દરિયે ફેંકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી આખો જથ્થો બહાર કાઢી લીધો હતો.

માહિતી મળતાં જ આરંભાયેલા આ ઓપરેશનમાં ICGએ પોતાના જહાજો સાથે વિમાનો પણ તહેનાત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી કિંમતને આધારે આ કાર્યવાહી નસીલામંડીઓ વિરુદ્ધની એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ઓપરેશન આખી રાત ચાલ્યું હતું જેમાં ATSના જાંબાઝ જવાનોએ બોટને ઘેરી લીધી અને આખરે તેને પકડી પાડવામાં સફળતા મળી.

આ બોટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયામાં, આંતરરાષ્ટ્રીય મરીન બાઉન્ડ્રી લાઇન (IMBL) પાસે જ જોવા મળી હતી. તપાસમાં બોટમાંથી 300 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યા છે. જોકે, હાલ સુધી બોટના રાષ્ટ્રીયતા અને ક્રૂમાં કોણ છે તેની સત્તાવાર વિગતો બહાર આવી નથી.

નોંધનીય છે કે એક વર્ષ પહેલા પણ કોસ્ટ ગાર્ડ, NCB અને ATSના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સ ઝડપાઈ હતી, જેના સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જથ્થાની બજાર કિંમત અંદાજે ₹600 કરોડ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *