ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 31.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર તરીકે સાબિત થયું.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ગરમીનો ઈશારો આપ્યો છે. 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં પવનની દિશામાં પણ ફેરફાર થવાની શક્યતા છે.રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અમદાવાદમાં પારો 41.6°C અને ગાંધીનગરમાં 41.5°C નોંધાયું છે, જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 28.0°C રહ્યું હતું. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.7°C અને લઘુત્તમ તાપમાન 23.2°C નોંધાયું હતું.
નોંધનીય છે કે હવામાન વિભાગે લોકોને તીવ્ર ગરમીના સમયમાં જાતેજ સાવચેત રહેવાની સલાહ આપી છે. ગરમ સમયમાં ઘરની બહાર નીકળવાથી ટાળો, વધુમાં વધુ પાણી પીઓ અને તાપથી બચવા માટે જરૂરી પગલાં ભરવા અંગેની સૂચના આપવામાં આવી છે.