જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque 

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના ભાગરૂપે ચાર શિયા મસ્જિદો બંધ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જર્મન પોલીસે 6 દાયકા જૂની શિયા મસ્જિદને પણ બંધ કરી દીધી છે, આ મસ્જિદને ઈમામ અલી મસ્જિદ અને  બ્લુ મસ્જિદ  ( Blue Mosque )તરીકે ઓળખવામાં આવે છે.

જર્મન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ ઈરાનના પ્રોક્સી જૂથ હિઝબુલ્લા સાથે જોડાયેલું છે. IZH પર જર્મનીમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરવાનો આરોપ છે. આ સંગઠન પર જર્મન મુસ્લિમોમાં યહૂદી વિરોધીતા વધારવાનો પણ આરોપ છે.જર્મનીએ 2020માં હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું અને તેની સાથે જોડાયેલા લોકો પર દેશમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

ઈરાનના આદેશ પર કામ કરતા હતા

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે IZH એક ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન છે, જેના ઉદ્દેશ્યો ખતરનાક અને ગેરબંધારણીય છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, IZH જર્મનીમાં ઈરાનના પ્રતિનિધિ તરીકે કામ કરે છે અને ઈરાનની ઈસ્લામિક ક્રાંતિની વિચારધારાને આક્રમક અને હિંસક રીતે ફેલાવી રહી છે અને જર્મનીમાં પણ આવી જ ક્રાંતિ લાવવા માંગે છે.IZH ને જર્મનીમાં તેહરાનના પ્રચાર કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. અહેવાલો અનુસાર, જર્મન ગુપ્તચર એજન્સી 1990થી આ સંગઠન પર નજર રાખી રહી છે. અગાઉ નવેમ્બર 2023માં પણ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી હતી અને દેશભરમાં આનાથી સંબંધિત લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે હેમ્બર્ગમાં આવેલી બ્લુ મસ્જિદની પણ સર્ચ કરવામાં આવી હતી, પરંતુ તેને બંધ કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. જો કે, IZH એ તેની સામેના આરોપોને ફગાવી દીધા છે અને આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે.

6 દાયકા જૂની મસ્જિદ

હેમ્બર્ગની બ્લુ મસ્જિદ આ કાર્યવાહીનું કેન્દ્ર રહી છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ આ મસ્જિદમાં સ્થિત છે અને અહીંથી તેની ક્રિયાઓની યોજના બનાવતો હતો. જર્મનીની બ્લુ મસ્જિદ 1953માં બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે ઈરાની મૂળના કેટલાક શિયાઓએ પોતાનું ધાર્મિક કેન્દ્ર ખોલવાનું નક્કી કર્યું હતું.

ઈરાનના તત્કાલિન શિયા નેતા આયાતુલ્લા સૈયદ હોસૈન બોરુજેર્ડીને મદદ માંગતો પત્ર મોકલવામાં આવ્યો હતો. આયતુલ્લા કેન્દ્ર બનાવવા માટે સંમત થયા અને કેન્દ્રને 1 લાખ રિયાલ દાનમાં આપ્યા. તેનું કામ 1960 માં શરૂ થયું હતું અને તે 1965 સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 1971ની ક્રાંતિ વખતે પણ આ કેન્દ્રે પશ્ચિમમાં રહેતા ઈરાની યુવાનોને તત્કાલીન શાહ સરકાર સામે એકજૂટ કર્યા હતા.

ઈરાન સરકારે કાર્યવાહીનો વિરોધ કર્યો?

ઈરાન સરકારે તેહરાન ખાતેના જર્મન રાજદૂતને બોલાવ્યા અને ઈસ્લામિક સેન્ટરને બંધ કરવા સામે વિરોધ નોંધાવ્યો. ઈરાનના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે હિઝબોલ્લાહને કથિત સમર્થન અને ઈરાન સાથેના સંબંધોને લઈને હેમ્બર્ગમાં ઈસ્લામિક સેન્ટર બંધ કર્યા પછી જર્મન રાજદૂતને બોલાવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયે જર્મનીના આ પગલાની નિંદા કરી અને કહ્યું કે આ મૂળભૂત માનવાધિકારનું ઉલ્લંઘન છે. “દુર્ભાગ્યે, આજે જર્મનીમાં જે બન્યું તે ઇસ્લામોફોબિયા અને અબ્રાહમિક ઉપદેશો સાથે સંઘર્ષનું સ્પષ્ટ ઉદાહરણ છે,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો –  વિશ્વની આ 10 સુંદર અને ઐતિહાસિક મસ્જિદ વિશે જાણો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *