ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે : ગુજરાતમાં હાલમાં બનેલી હિંસક ઘટનાઓના પગલે, રાજ્યની શાંતિ, સલામતી અને ન્યાય જાળવવા માટે જમાલપુર-ખાડિયાના સન્માનનીય ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે.
ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે : આ બંને નેતાઓએ તાજેતરમાં ગોધરા, વડોદરા અને બહીયલ ખાતે બનેલી નિંદનીય હિંસક ઘટનાઓની સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્યની જનતા ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી રહી છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોના ષડયંત્ર દ્વારા સોશિયલ મીડિયા થકી ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ વાયરલ થતાં આ ઘટનાઓ બની છે.
સોશિયલ મીડિયા પર નજર અને ન્યાયિક તપાસની માંગ
નેતાઓએ મુખ્યમંત્રી સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે
૧. સાયબર ક્રાઇમ પર ચાંપતી નજર: રાજ્યની શાંતિ અને સલામતી જાળવવા માટે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવે. ધાર્મિક ઉશ્કેરણી દ્વારા હિંસા ફેલાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ સુઓમોટો (Suo Motu) ફરિયાદ દાખલ કરવામાં આવે.
૨. નિર્દોષોને ન્યાય: હિંસક કૃત્યો આચરનારા ખરા ગુનેગારો સામે જ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જોકે, ગોધરા, બહીયલ અને વડોદરામાં ધરપકડ કરાયેલા કેટલાક સ્થાનિકોના પરિવારો તરફથી ફરિયાદ છે કે નિર્દોષ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આથી, કોઈપણ નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરીને ખોટી રીતે પ્રતાડિત કરવામાં ન આવે તેવો સ્પષ્ટ આદેશ સરકાર દ્વારા કરવામાં આવે.
ધારાસભ્ય ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે રાજ્યના તમામ નાગરિકોને પણ વિનંતી કરી છે કે તેઓ રાજ્યની શાંતિ અને સલામતી જાળવી રાખે, કાયદો હાથમાં ન લે, અને આવા ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓ સામે સંયમ જાળવીને ગાંધીચિંધ્યા માર્ગે કાનૂની કાર્યવાહી કરવા આગળ આવે. આ પત્રમાં રાજ્ય સરકારે ‘રાજધર્મ’ નિભાવીને નિષ્પક્ષ તપાસ કરવા પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!