અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી કાઉન્સિલ ઓફિસ, બદર પ્લાઝા, સરખેજ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો.

વકફ મિલ્કતનું મહત્વ અને સુરક્ષાનો સંકલ્પ

આ કાર્યક્રમમાં વકફ મિલ્કત એટલે કે ઇસ્લામિક દૃષ્ટિકોણથી સમુદાયના હિત માટે સમર્પિત સંપત્તિને સાચવવાની અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્વાનોએ સ્પષ્ટ કર્યું કે વકફ મિલ્કતની જાળવણી એ માત્ર ધાર્મિક જ નહીં પણ રાષ્ટ્રીય અને સામાજિક જવાબદારી પણ છે.

કાર્યક્રમમાં મુફ્તી રિઝ્વાન તારાપૂરી, મુફ્તી અશરફ કાસમી, મુફ્તી ઉબેદ-એ-હિન્દ અને મુફ્તી મુજીબુદ્દીન સહિતના ધર્મગુરુઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુફ્તી મો. ફૈઝી મૈમૂદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે સમાજના નામાંકિત એડવોકેટ ઉવેશ મલીક અને મુઝાહિદ નફીસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વિદ્વાનોએ ખાસ વકફ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપીને સરકારે જે વકફ સુધારણા કાયદો લાગુ કર્યો છે, તેના દરેક પાસાં પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

વિવિધ વક્તાઓએ વકફની શરઈ હકીકત (ધાર્મિક તથ્ય), રાષ્ટ્ર હિતમાં તેનો ઉપયોગ અને સમાજમાં તેની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત વિદ્વાનો અને સંસ્થાના પ્રતિનિધિઓએ પોતાની સંસ્થાઓ અને મસજિદોના વકફ દસ્તાવેજોને કાયદેસર રીતે નોંધાવવા માટે સક્રિય પગલાં લેવા માટે ભારપૂર્વક આહ્વાન કર્યું હતું. આ પગલું ભવિષ્યમાં વકફ મિલ્કતોને ગેરકાયદેસર કબ્જા અને અતિક્રમણથી બચાવવા માટે અત્યંત જરૂરી છે.

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના નેતૃત્વ હેઠળ આ પ્રકારના જાગૃતિસભર કાર્યક્રમો ભવિષ્યમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવશે, જેથી વકફ મિલ્કતની સુરક્ષા અંગેનું આ અભિયાન રાજ્યભરમાં વિસ્તૃત બની શકે.

 

 

આ પણ વાંચો:   ઈરાન પર UN ના પ્રતિબંધો ફરી લાગુ, રશિયા અને ચીનની રોકવાની આખરી કોશિશ નાકામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *