ખેડા જિલ્લાના મહીસા ગામના વટવટીયા વિસ્તારમાં સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે શૈક્ષણિક વાતાવરણ જોખમાયું છે. અહીં ‘વાસમો’ યોજના અંતર્ગત નિર્મિત પાણીની ટાંકીમાં છેલ્લા લાંબા સમયથી થતા ગંભીર લીકેજને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
શાળાએ જતાં બાળકોની કફોડી હાલત
આ લીકેજની સૌથી માઠી અસર શાળાએ જતાં નિર્દોષ બાળકો પર પડી રહી છે. ટાંકીમાંથી સતત વહેતા પાણીને કારણે શાળાએ જવાના મુખ્ય માર્ગો પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. દરરોજ સવારે તૈયાર થઈને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે નીકળતા ભૂલકાઓએ ગંદા પાણી અને ચીકણા કાદવમાંથી પસાર થવું પડે છે. અનેક કિસ્સાઓમાં બાળકો લપસી પડતા હોવાથી તેમના કપડાં બગડે છે અને તેમને ઈજા થવાની ભીતિ પણ સતાવી રહી છે.

એક તરફ સરકાર દ્વારા ‘જળ એ જ જીવન’ અને ‘ટીપે ટીપે પાણી બચાવો’ જેવા મસમોટા અભિયાનો પાછળ લાખોનો ધૂમાડો કરવામાં આવે છે, ત્યારે મહીસા ગામના વટવટીયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ઉંધી સ્થિતિ જોવા મળી રહી છે. વાસમો યોજનાની ટાંકીમાં સર્જાયેલા ગંભીર લીકેજને લીધે દરરોજ હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહીને વેડફાઈ રહ્યું છે. મહીસાના જાગૃત નાગરિક સાબીર મલેક દ્વારા આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ પાણીના વેડફાટને કારણે એક તરફ ગ્રામજનોને પૂરતું પાણી મળતું નથી, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાથી ગંદકી અને કાદવનું સામ્રાજ્ય ફેલાયું છે. જો તંત્ર જલ્દી નહીં જાગે, તો આ અમૂલ્ય જળનો જથ્થો ગટરોમાં વહી જશે અને ઉનાળામાં ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
જાગૃત નાગરિકની રજૂઆતો છતાં તંત્ર મૌન
ગામના જાગૃત નાગરિક સાબીર મલેક દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમણે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું છે કે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે, છતાં જવાબદાર અધિકારીઓ ‘આંખ આડા કાન’ કરી રહ્યા છે.
સ્થાનિકોમાં રોષ અને આંદોલનની ચીમકી
લાખોના ખર્ચે બનેલી આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સ્થાનિકો સેવી રહ્યા છે. એક તરફ પાણી માટે લોકો તરસ્યા છે અને બીજી તરફ પાણી રસ્તા પર વહીને ગંદકી ફેલાવી રહ્યું છે. જો તાત્કાલિક ધોરણે ટાંકીનું સમારકામ કરી રસ્તાઓ સાફ કરવામાં નહીં આવે, તો સાબીર મલેક અને ગ્રામજનોએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: આણંદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સમાપન

