AIMIM Gujarat Organization : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા ગુજરાતમાં સંગઠનને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના આદેશ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જફર હુસૈન મેરાજની મંજૂરીથી, ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલાએ રાજ્યના સંગઠનાત્મક માળખામાં નવી નિમણૂકોની જાહેરાત કરી છે.

આ નવી નિમણૂકો દ્વારા પક્ષે પ્રદેશ અને જિલ્લા સ્તરે નેતૃત્વને નવી દિશા આપી છે. પ્રદેશ સંગઠનમાં મહામંત્રી તરીકે સમા શકીલભાઈની પસંદગી કરવામાં આવી છે, જ્યારે આઠ જેટલા હોદ્દેદારોને ઉપ-પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં મન્સૂરી સાહિદભાઈ, સુંઠિયા કલ્પેશભાઈ, શેખ ઈકબાલભાઈ, પરમાર નટુભાઈ, સૈયદ રઉફ સૈયદ હબીબ, મકરાણી સાજિદભાઈ, પઠાણ માજિદખાન અને પિરજાદા ઈમરાનભાઈનો સમાવેશ થાય છે.

સાથે જ, રાજ્યના વિવિધ ૧૩ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખશ્રીઓની પણ વરણી કરવામાં આવી છે. આ યાદીમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે, જ્યાં નવા જિલ્લા પ્રમુખો પક્ષના પ્રચાર અને જનસંપર્ક માટે કામ કરશે.

નિમણૂક પામેલા તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતા પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, આ તમામ કાર્યકરો પક્ષના નિષ્ઠાવાન અને શિસ્તબદ્ધ સૈનિકો છે. તેમને પક્ષની નીતિઓ અને કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવાની તેમજ લોક જાગૃતિ માટે સતત લોક સંપર્ક જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે. AIMIM ગુજરાતમાં સંગઠનને પાયાના સ્તરથી મજબૂત બનાવવા માટે આ નવીન માળખું અત્યંત નિર્ણાયક સાબિત થશે, જેમાં યુવા અને અનુભવી નેતાઓના સમન્વયથી પક્ષના પ્રભાવમાં વધારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદને લઇને AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની જનતાને સુરક્ષા અપીલ

