Food Department Raid Unava મહેસાણા/ઊંઝા: ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ખાતે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભેળસેળિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે તંત્રએ કેમિકલયુક્ત કલરની ભેળસેળ કરીને તૈયાર કરવામાં આવતી અખાદ્ય વરિયાળીનો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો અધધ ૨૬ ટનથી વધુનો જથ્થો પકડી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Food Department Raid Unava ફ્લાઈંગ સ્કોડના અચાનક દરોડા
આ કામગીરી અંગે વધુ વિગતો આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઉનાવા ખાતે બે સ્થળોએ અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં (૧) મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને (૨) મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને ગ્રાહકોને આકર્ષક લાગે તેવી બનાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હતી.
૨૬ ટન વરિયાળીનો જથ્થો સીઝ
તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે કે, આ બંને પેઢીઓ પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન કે વેચાણ માટે જરૂરી એવું ‘ફૂડ સેફ્ટી લાઈસન્સ’ પણ નહોતું. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તંત્રએ સ્થળ પરથી રૂ. ૧૯.૬ લાખથી વધુની અંદાજિત કિંમતનો ૨૬ ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરી લીધો છે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ
લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ હોવાનું જણાવતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈ પણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને મિલાવટખોરો સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે, જેથી શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 225 તાલુકા તરબતર, સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો

