Iran Strait of Hormuz : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા વિનાશક હુમલાને 2 અઠવાડિયા માટે સ્થગિત કર્યા બાદ, હવે ઈરાન તરફથી પણ આખી દુનિયાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના 14 દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ ઈરાને પણ દુનિયાનો અત્યંત મહત્વનો વેપારી માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ખોલવાનું એલાન કરી દીધું છે.
Iran Strait of Hormuz: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ તો ખોલ્યો, પણ શરત સાથે!
ન્યૂઝ એજન્સી એપી (AP) ના રિપોર્ટ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પુષ્ટિ કરી છે કે આગામી 2 અઠવાડિયા સુધી જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, ઈરાને આ માટે એક મોટી શરત પણ રાખી છે.
અરાઘચીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, “આ બે અઠવાડિયાના સમયગાળા માટે જહાજોનો સુરક્ષિત માર્ગ ઈરાનના સશસ્ત્ર દળો (સેના) ના સંકલન અને દેખરેખ હેઠળ જ શક્ય બનશે.” એટલે કે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યો હોય, પરંતુ ત્યાંથી પસાર થતા તમામ જહાજો પર ઈરાની સેનાનો કડક પહેરો અને નજર રહેશે.
શું ઈરાન જહાજો પાસેથી શુલ્ક વસૂલશે?
યુદ્ધ પહેલાના શાંતિના સમયમાં આ હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ “ટેકનિકલ મર્યાદાઓ” ન હતી અને દરરોજ 100 થી વધુ જહાજો ઈરાની અને ઓમાની જળસીમામાંથી વિના રોકટોક પસાર થતા હતા. આ વિસ્તારમાંથી દુનિયાના આશરે 20% ક્રૂડ ઓઈલનું પરિવહન થાય છે. જોકે, ઈરાને યુદ્ધ દરમિયાન પસાર થતા જહાજો પાસેથી જે રીતે શુલ્ક (ટ્રોલ/ટેક્સ) વસૂલ્યો હતો, તે આ બે અઠવાડિયા દરમિયાન પણ ચાલુ રાખશે કે નહીં તે અંગે ઈરાને હજુ કોઈ ફોડ પાડ્યો નથી.
ટ્રમ્પની ભયાનક ધમકીએ કરી કમાલ
નોંધનીય છે કે, મંગળવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ અને આખરી ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે નહીં ખોલે તો તેના તમામ વીજળી મથકો, પુલો અને આખી સભ્યતાનો નાશ કરી દેવામાં આવશે. ટ્રમ્પની આ આખરી ધમકી અને પાકિસ્તાનની મધ્યસ્થી બાદ બંને પક્ષો 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે રાજી થયા છે, જેથી દુનિયા પર મંડરાઈ રહેલું મહાવિનાશનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે.
આ પણ વાંચો: મહાયુદ્ધ ટળ્યું! ડોનાલ્ડ ટ્રમ્પે કરી યુદ્ધવિરામની જાહેરાત, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર

