Coffee and Anxiety વચ્ચેનો સંબંધ ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. સવારની શરૂઆત કોફીથી કરવી અથવા કામ દરમિયાન વારંવાર કોફી પીવી સામાન્ય બાબત છે. કેફીન સતર્કતા વધારવામાં અને ઊંઘનો અહેસાસ ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક લોકોને કોફી પીધા પછી હૃદયના ધબકારા ઝડપી થવા, હાથ ધ્રૂજવા, પરસેવો થવો અને ગભરામણ જેવા અનુભવ થાય છે.
આ લક્ષણો એન્ઝાયટી અથવા પેનિક એટેક દરમિયાન જોવા મળતાં લક્ષણો જેવા હોઈ શકે છે. તેનું એક કારણ એ છે કે કેફીન મગજ અને નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે. તેની અસર વ્યક્તિની સંવેદનશીલતા, કોફીનું પ્રમાણ અને ઊંઘની ગુણવત્તા પર આધાર રાખે છે.
Coffee and Anxiety: કેફીન મગજ અને શરીર પર કેવી અસર કરે છે?
NCBI અનુસાર, કેફીન મગજમાં એડિનોસિન નામના રસાયણના રિસેપ્ટર્સને બ્લોક કરે છે. એડિનોસિનની અસર વધવાથી ઊંઘ અને થાકનો અનુભવ થાય છે, જ્યારે કેફીન તેને અટકાવીને થોડા સમય માટે સતર્કતા વધારે છે. જોકે, આ ઉત્તેજક અસર કેટલાક લોકોમાં બેચેની, ધ્રુજારી અને ઊંઘની સમસ્યા પણ ઊભી કરી શકે છે.
કેફીન પહેલેથી એન્ઝાયટી અથવા પેનિક ડિસઓર્ડર ધરાવતા લોકોમાં લક્ષણો વધુ તીવ્ર બનાવી શકે છે. NCBIમાં ઉલ્લેખિત 14 અભ્યાસો અને 546 લોકોના આંકડાના વિશ્લેષણમાં કેફીનના સેવન અને એન્ઝાયટી વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો. વધુ કેફીનના સેવન સાથે આ સંબંધ વધુ મજબૂત હતો. જોકે, અભ્યાસોની પદ્ધતિ અલગ હોવાથી આ પરિણામો દરેક વ્યક્તિને સમાન રીતે લાગુ પડતા નથી.
કેટલી કોફી પીવી યોગ્ય છે?
અમેરિકાની FDA અનુસાર, મોટાભાગના સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દરરોજ 400 મિલિગ્રામ સુધીનું કેફીન સામાન્ય રીતે નકારાત્મક અસરો સાથે જોડાયેલું નથી. જોકે, આ દરેક વ્યક્તિ માટે સલામત મર્યાદા નથી. કોફીમાં કેફીનનું પ્રમાણ કપના કદ અને બનાવવાની રીત પ્રમાણે બદલાય છે.
જો કોફી પીધા પછી વારંવાર ગભરામણ કે ધ્રૂજારી અનુભવાય, તો કેફીનનું પ્રમાણ ઘટાડીને જુઓ અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લો. છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા બેભાન થવા જેવાં લક્ષણો થાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

