SC Stray Dogs Order દેશભરમાં રખડતા શ્વાન કરડવાની અને હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ત્રણ જજોની બેન્ચે એનિમલ લવર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓની અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં આપવામાં આવેલો આદેશ યથાવત રહેશે, જે અંતર્ગત શાળાઓ, હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવા ભીડભાડ વાળા જાહેર સ્થળોએથી રખડતા શ્વાનને તાત્કાલિક હટાવવા ફરજિયાત છે.
SC Stray Dogs Order શ્વાનને પકડ્યા બાદ ફરી એ જ જગ્યાએ નહીં છોડી શકાય
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનો અને વહીવટી તંત્રની જવાબદારી બેવડાઈ ગઈ છે.
અગાઉ એવી વ્યવસ્થા હતી કે શ્વાનને પકડીને રસીકરણ અને નસબંધી (Sterilisation) કર્યા બાદ ફરીથી એ જ વિસ્તારમાં છોડી દેવાતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિયમમાં મોટો ફેરફાર યથાવત રાખતા જણાવ્યું છે કે સંવેદનશીલ જાહેર સંસ્થાઓ (શાળા, કોલેજ, હોસ્પિટલ, એરપોર્ટ) માંથી પકડાયેલા શ્વાનને નસબંધી પછી પણ ત્યાં પાછા છોડી શકાશે નહીં. આવા શ્વાનોને સરકારી અથવા એનજીઓ સંચાલિત શેલ હોમ (Shelter Homes) માં કાયમી આશ્રય આપવો પડશે. આ સિવાય જાહેર રસ્તાઓ પર શ્વાનને ગમે ત્યાં ખોરાક ખવડાવવા પર પણ પ્રતિબંધ રહેશે, તેના માટે માત્ર નક્કી કરાયેલા ઝોનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
બંધારણ શક્તિશાળીઓના ભરોસે જીવવાની મંજૂરી નથી આપતું
અદાલતે દેશમાં શ્વાનના હુમલાથી બાળકો અને વૃદ્ધોના થતા મોત અંગે ઊંડી ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, “ગૌરવ સાથે જીવવાનો અધિકાર (Right to Life) એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, જેમાં શ્વાનના હુમલાના ભય વગર જીવવાનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારો અને તંત્ર આ મામલે મૂકપ્રેક્ષક બનીને બેસી ન શકે. આપણું બંધારણ એવા સમાજની કલ્પના નથી કરતું જ્યાં માસૂમ બાળકો અને વૃદ્ધોએ રસ્તા પર ચાલવા માટે પોતાની શારીરિક તાકાત કે શ્વાનની દયા પર નિર્ભર રહેવું પડે.”
નિયમોનું પાલન નહીં કરનાર અધિકારીઓ સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટ
કોર્ટે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓ (મુખ્ય સચિવો) ને આ આદેશનું કડક પાલન કરવા અને ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપ્યો છે.
જો કોઈ પણ મહાનગરપાલિકા કે સરકારી અધિકારી આ આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટ (અદાલતની અવમાનના) હેઠળ સીધા ફોજદારી પગલાં લેવામાં આવશે અને ખાતાકીય સજા થશે. આ ઉપરાંત કોર્ટે દેશના પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હાઈટેક ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) સેન્ટર શરૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટોને પણ આ મામલે પોતાના રાજ્યમાં સુઓમોટો (Suo Motu) કેસ નોંધીને દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટે સત્તા આપી છે.

