અમદાવાદથી ગાંધીનગર 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની મહારેલી, પોલીસ મંજૂરી ન મળતા ભારે તણાવ

Congress Farmers Tractor Rally : ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી હેવી વીજલાઈનો, જમીન માપણી અને પૂરતા વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ૧૫મી જૂન ૨૦૨૬ના રોજ ગુજરાત કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર તરફ ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે ‘ખેડૂત અધિકાર યાત્રા’ નો પ્રારંભ કરાયો છે. જોકે, ગાંધીનગર પોલીસે આ મહારેલીને મંજૂરી ન આપતા અમદાવાદના ઓગણજ અને શાંતિપુરા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત અને કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે.

Congress Farmers Tractor Rally : નેતાઓએ પોતે સંભાળ્યું ટ્રેક્ટરનું સ્ટીયરીંગ: ભાજપ સરકાર પર આકરા પ્રહારો 

આજતક અને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ રેલીનું મુખ્ય આકર્ષણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતે ટ્રેક્ટરનું સ્ટીયરીંગ સંભાળીને યાત્રા આગળ વધારી હતી, જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર અને પ્રગતિ આહિર પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ખેડૂતોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ગુજરાતમાં આજે ભાજપ સરકાર અંગ્રેજો જેવી નીતિ અપનાવીને પોલીસના જોરે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે અને ખાનગી કંપનીઓ માટે ખેડૂતોની કિંમતી જમીનો હડપ કરવામાં આવી રહી છે.”

5 મુખ્ય માંગણીઓ સાથે જંગ: ગાંધીનગરના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ સીલ 

ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય ૫ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં મોરબી અને સુરેન્દ્રનગરના ખેતરોમાં બળજબરીથી નંખાતી વીજ લાઈનો સામે ૨૦૧૩ના કાયદા મુજબ ચાર ગણું યોગ્ય વળતર આપવું, ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી, મફત વીજળી અને ક્ષતિગ્રસ્ત જમીન માપણી સુધારવાનો સમાવેશ થાય છે. રેલીને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કાફલો ઓગણજ ખાતે તૈનાત કરાયો છે અને રેલીને ઓગણજ શતાબ્દી મેદાન સુધી જ સીમિત રાખવા દબાણ કરાઈ રહ્યું છે, જ્યારે ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ્સ પર લોખંડી બેરિકેડિંગ ગોઠવી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *