Ahmedabad NEET Student Suicide : અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત દુખદ અને વાલીઓ સહિત સમગ્ર શિક્ષણ જગતની આંખ ઉઘાડનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આગામી ૨૧ જૂનના રોજ દેશભરમાં યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG ૨૦ spark ના ગણતરીના દિવસો પહેલા જ એક ૧૭ વર્ષના આશાસ્પદ વિદ્યાર્થીએ અકાળે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ‘એરિસ્ટો આનંદમ ફ્લેટ’ (Aristo Anandam Flats) માં રહેતા અને નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી કહાન પટેલે વહેલી સવારે ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે કૂદીને આત્મહત્યા (Student Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Ahmedabad NEET Student Suicide : સવારે ગેલેરીમાંથી છલાંગ લગાવી, સ્યુસાઈડ નોટ ન મળતા રહસ્ય અકબંધ
અહેવાલ અનુસાર, આ ચોંકાવનારી ઘટના આજે વહેલી સવારે બની હતી. કહાન પટેલ ૨૧ જૂને યોજાનારી નીટ પરીક્ષા આપવાનો હતો અને છેલ્લા ઘણા સમયથી તેના માટે સખત મહેનત અને તૈયારી કરી રહ્યો હતો. આજે સવારે તેણે અચાનક પોતાના જ ફ્લેટની ગેલેરીમાંથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી. ભારે અવાજ થતાં ફ્લેટના અન્ય રહીશો અને પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થવાના કારણે કહાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, જેથી આપઘાત પાછળ પરીક્ષાનું માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી.
પરીક્ષાના વધતા ભાર વચ્ચે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૨૧ જૂને દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે NEET-UG ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જો કે, પરીક્ષાના આ હાઈ-વોલ્ટેજ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ પર સર્જાતું માનસિક દબાણ વધુ એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. હજુ ગઈકાલે જ તમિલનાડુના કોઈમ્બતૂરમાં પણ એક ૧૯ વર્ષીય નીટ વિદ્યાર્થીનીએ પરીક્ષાના ડરથી આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદમાં પણ પરીક્ષાના બરાબર ૩ દિવસ પહેલા જ કહાન પટેલે જીવન ટૂંકાવી લેતા તેનો પરિવાર અત્યારે ઊંડા સદમામાં સરી પડ્યો છે અને સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વાલીઓ તેમજ આસપાસના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 23 થી 25 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

