Surat Adajan Fire ડાયમંડ સિટી સુરતના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા અડાજણ (Adajan) વિસ્તારમાંથી આગની એક અત્યંત ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અડાજણ પાટીયા નજીક આવેલા એક પ્રખ્યાત ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) શોરૂમમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી હદે પ્રસરી ગઈ હતી કે તેણે બાજુમાં આવેલી જાણીતી એપોલો ફાર્મસી (Apollo Pharmacy) ને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગને પગલે વિસ્તારમાં ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
Surat Adajan Fire ઈવી બેટરીઓમાં ધડાકા અને ફાર્મસીમાં કરોડોની દવાઓ ખાખ
અહેવાલ અનુસાર, પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ઈવી શોરૂમમાં રાખેલી ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની લિથિયમ-આયન બેટરીઓ આગના સંપર્કમાં આવતાની સાથે જ એક પછી એક મોટા બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શોરૂમની બાજુમાં આવેલી એપોલો ફાર્મસી પણ આ આગની ચપેટમાં આવી જતાં અંદર રાખેલો કિંમતી દવાનો જથ્થો અને મેડિકલ સાધનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. સદનસીબે, આગ લાગતાની સાથે જ અંદર હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકો સુરક્ષિત બહાર દોડી આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ફાયર બ્રિગેડની લશ્કરી આગેકૂચ, અડાજણ હાઈવે પર ભારે ટ્રાફિક જામ
ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. અડાજણ, ભેસાણ અને મજુરા ગેટ ફાયર સ્ટેશનથી ૧૦ થી વધુ ફાયર ફાઈટરો અને વોટર બ્રાઉઝર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. અડાજણના મુખ્ય રોડ પર બનેલી આ ઘટનાને કારણે હાઈવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવી કરવા માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં NEET ની પરીક્ષાના 3 દિવસ પહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત

