Surat Fake Food Inspector બની હોટલ અને કેફે સંચાલકોને ચેકિંગના નામે ડરાવી પૈસા પડાવતી ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી આ ગેંગના એક આરોપી યોગેશ ત્રિલોચન ભટ્ટને આણંદની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છેતરપિંડીનો વણઉકેલાયેલો ગુનો પણ ઉકેલાયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્ય નિરજે ડુમસ વિસ્તારમાં આવેલા ફ્લેમ્સ કેફેના સંચાલકનો વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે પોતે સુરત મહાનગરપાલિકાનો ફૂડ ઇન્સ્પેક્ટર નીતિનભાઈ હોવાનો દાવો કર્યો હતો. કેફેમાં ચેકિંગ માટે આવવાનું કહી તેણે ચેકિંગ ચાર્જ તરીકે ₹3,500ની માગણી કરી હતી.
આરોપીએ કેફેનું ચેકિંગ કર્યા બાદ સારો રિવ્યૂ આપવાની અને સર્ટિફિકેટ બનાવી આપવાની લાલચ પણ આપી હતી. આ રીતે કેફે સંચાલકનો વિશ્વાસ જીતીને અલગ-અલગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹29,090 પડાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
Surat Fake Food Inspector ગેંગનો આરોપી આણંદમાંથી ઝડપાયો
આણંદ વિસ્તારમાં આવી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય હોવાની બાતમી મળતાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે પહોંચી હતી. પોલીસને માહિતી મળી હતી કે યોગેશ અને નિરજ નામના બે શખ્સ સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલી ધ કેરેટર હોટલમાં કુક તરીકે કામ કરે છે.
બાતમીના આધારે તપાસ કરતાં પોલીસે યોગેશ ત્રિલોચન ભટ્ટ (ઉંમર 30)ને ઝડપી પાડ્યો હતો. તે મૂળ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ખતેડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ફ્લેમ્સ કેફેમાંથી પડાવેલી રકમ તેના બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ કેસમાં BNS-2023ની કલમ 204, 318(4), 319(2) તથા IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના અન્ય સભ્ય નિરજની ભૂમિકા અને સંડોવણી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

