ચૈતર વસાવાની મુક્તિ માટે AAPનું આદિવાસી મહાસંમેલન, સરકારને 2027ની ચૂંટણી અંગે આપી ચેતવણી

Chaitar Vasava Release

Chaitar Vasava Release ની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP)એ બુધવારે ગાંધીનગરમાં આદિવાસી મહાસંમેલન યોજ્યું હતું. ઉમરગામથી અંબાજી સુધી બે અઠવાડિયાં ચાલેલી આદિવાસી ન્યાય યાત્રાના સમાપન બાદ યોજાયેલા આ સંમેલનમાં AAPના નેતાઓ, કાર્યકરો અને ચૈતર વસાવાની બંને પત્નીઓએ સરકાર સમક્ષ તેમની વહેલી મુક્તિની માગ કરી હતી.

AAPના પ્રદેશ પ્રભારી અને દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયે ગુજરાત સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, ડ્રગ્સ અને ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આદિવાસીઓ, શ્રમિકો અને ગરીબોના અધિકારો માટે અવાજ ઉઠાવતા ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે.

ગોપાલ રાયે કહ્યું કે ચૈતર વસાવા આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે લડતા રહ્યા છે. આદિવાસી યોજનાઓમાં થતા કથિત કૌભાંડો સામે પણ તેઓ અવાજ ઉઠાવે છે. તેમણે આદિવાસી સમાજને ચૈતર સાથે થઈ રહેલા અન્યાયનો જવાબ આપવાની અપીલ કરી હતી.

AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સરકારને ચૈતર વસાવાને વહેલી તકે મુક્ત કરવાનો પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું કે જો સરકાર નિર્ણય નહીં લે તો 2027ની ચૂંટણીમાં મતદારો તેને જવાબ આપશે.

Chaitar Vasava Release માટે પત્નીઓની ભાવુક અપીલ

ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવાએ પણ સંમેલનમાં સંબોધન કર્યું હતું. શકુંતલાએ જણાવ્યું કે ચૈતરે પરિવારની ચિંતા કર્યા વિના આદિવાસી સમાજના અધિકારો માટે સંઘર્ષ કર્યો છે. તેઓ પોતે પણ ચૈતરની સાથે લગભગ ત્રણ મહિના જેલમાં રહી ચૂક્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.

વર્ષાબેને કહ્યું કે પતિ જેલમાં હોવાથી પરિવાર મુશ્કેલી અને વેદનાનો સામનો કરી રહ્યો છે. ચૈતરે પોતાના દોઢ વર્ષના બાળકની ચિંતા કર્યા વિના સમાજ માટે કામ કર્યું છે અને આજે આદિવાસી સમાજનો સાથ તેમની સૌથી મોટી તાકાત છે.

મહાસંમેલનમાં મનોજ સોરઠિયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રવીણ રામ, યુવરાજ સિંહ અને બ્રજરાજ સિંહ સહિતના નેતાઓએ પણ સંબોધન કર્યું હતું.

ચૈતર વસાવા રાજકાર્યમાં અવરોધ, અધિકારીઓ પર હુમલો અને ફાયરિંગના કેસમાં જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલાં તેમના ભાઈને મળવા માટે તેમને ત્રણ દિવસના જામીન મળ્યા હતા. હાલ તેમના ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવાયું છે. સંમેલનમાં AAPએ ચૈતર વસાવાની મુક્તિ અને આદિવાસી અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Vadodara Missing Parrot: લાડુને શોધવા માટે ₹1 લાખનું ઇનામ