ગુજરાતમાં ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો ઐતિહાસિક પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીની વડનગરની શાળાથી કરાવ્યો રાજ્યવ્યાપી શિક્ષણ યજ્ઞ

24th Shala Praveshotsav

24th Shala Praveshotsav ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના બાળકો સુધી ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે વધુ એક વખત મહાઅભિયાન શરૂ કરાયું છે. સત્તાવાર અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની ૨૪મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં પ્રાથમિક અને શાળા શિક્ષણ મેળવ્યું હતું, તે વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. શિક્ષણ સેવા યજ્ઞ સમાન આ મહાઅભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની આ ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પ્રથમ દિવસે જ ૩૯૦ જેટલા બાળકોનું શાળામાં ઉત્સાહભેર નામાંકન કરવામાં આવ્યું હતું.

24th Shala Praveshotsav ભૂલકાઓનું અનોખું સ્વાગત અને શૈક્ષણિક કીટનું વિતરણ 

અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની આ ઐતિહાસિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા નાના બાળકોને કુમકુમ તિલક કરીને, મોં મીઠું કરાવીને સ્નેહપૂર્વક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સીએમ દ્વારા બાળકોને ભવિષ્યના ઉજ્જવળ અભ્યાસ માટે ઉપયોગી એવી કલરફુલ સ્કૂલ બેગ, પાટી-પેન અને પુસ્તકો સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે મુખ્યમંત્રીએ વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ખાસ અપીલ કરી હતી.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સ્માર્ટ ક્લાસરૂમ પર ભાર 

અહેવાલ અનુસાર, મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી આ શૈક્ષણિક પરંપરા આજે ગુજરાતના શિક્ષણનો મજબૂત પાયો બની ચૂકી છે. સરકારી શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો (Drop-out Ratio) ઘટાડવા અને સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ તેમજ ગ્રીન સ્કૂલના કન્સેપ્ટને વધુ મજબૂત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવો અને ક્લાસ-૧ ના ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ ત્રણ દિવસ સુધી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં રૂબરૂ જઈને બાળકોનો ઉત્સાહ વધારશે તેમજ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરશે.

આ પણ વાંચો: આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી દવે વિરુદ્ધ ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *