IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે આ પોર્ટલનો ચહેરો બદલી નાખ્યો છે.
IRCTC New Website ટિકિટ બુકિંગના નવા 4 ક્રાંતિકારી ફીચર્સ:
-
કેપ્ચા અને પોપ-અપમાંથી મુક્તિ: હવે બુકિંગ વખતે હેરાન કરતા કેપ્ચા, બિનજરૂરી પોપ-અપ અને ચમકતા જાહેરાતોની ઝંઝટ નહીં રહે.
-
સીટોની સ્પષ્ટ ઉપલબ્ધતા: તમામ ટ્રેન કેટેગરીમાં ખાલી સીટોની માહિતી હવે એક જ નજરે સ્પષ્ટ જોઈ શકાશે.
-
સુપરફાસ્ટ ચેકઆઉટ: ટિકિટ બુકિંગના સ્ટેપ્સ ઘટાડી દેવામાં આવ્યા છે, જેથી ગણતરીની સેકન્ડોમાં બુકિંગ પૂર્ણ થશે.
-
આસાન રિપીટ બુકિંગ: મુસાફરોની વિગતો સેવ રહેશે, જેથી વારંવાર નામ-ઉંમર જેવી માહિતી ભરવાની જરૂર નહીં પડે.
વિદ્યાર્થીઓની મહેનત અને ટેક્નોલોજીનો સંગમ
વર્ષ 2002 માં શરૂ થયેલી આ વેબસાઈટ રોજિંદા 14.5 લાખ ટિકિટોની બુકિંગ સંભાળે છે. જ્યારે MNIT ના વિદ્યાર્થીઓએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરીને સુધારાના સૂચનો આપ્યા, ત્યારે આ પ્રોજેક્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો. હાલ આ વેબસાઈટ ટ્રાયલ મોડમાં છે અને મુસાફરોના ફીડબેક બાદ તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. આગામી સમયમાં તેને નવા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે જોડી દેવાશે.
આ પણ વાંચો: ‘છાતી દબાવવી એ રેપનો પ્રયાસ નથી’, પટણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ ભડકી, આપ્યા આ આદેશ

