Supreme Court on Patna HC Order જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક સંવેદનશીલતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પટણા હાઈકોર્ટના એક તાજેતરના વિવાદાસ્પદ આદેશ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાનો સલવાર ઉતારવો અને તેની છાતી દબાવવી એ ‘બળાત્કારનો પ્રયાસ’ સાબિત કરવા માટે પૂરતું નથી.
Supreme Court on Patna HC Order શું છે સમગ્ર વિવાદ?
પટણા હાઈકોર્ટના ન્યાયાધીશ પૂર્ણેન્દુ સિંહે 2008ના એક કેસમાં ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે, આવી ક્રિયાઓ સ્ત્રીની નમ્રતાને ઠેસ પહોંચાડવાનો ગુનો ગણાય, પરંતુ બળાત્કારનો પ્રયાસ નહીં. આ કેસ 2008માં ફોટોગ્રાફી સ્ટુડિયોમાં બનેલી ઘટના સાથે જોડાયેલો છે, જેમાં ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે સજા રદ કરી હતી.
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
આ મામલે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે આવા આદેશો વારંવાર થઈ રહ્યા છે. જેના પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે પટણા હાઈકોર્ટ અને તેના જેવી અન્ય અદાલતો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “ન્યાયાધીશોની પણ થોડી સંશોધન કરવાની જવાબદારી છે. કોર્ટના સ્ટાફ કશું જ કરી રહ્યા નથી.”
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જાતીય ગુનાઓ અંગે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘હેન્ડબુક’નું તમામ અદાલતો અને પોલીસ સ્ટેશનોએ ફરજિયાત પાલન કરવું જોઈએ. આ હેન્ડબુક સુપ્રીમ કોર્ટ અને તમામ હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
રાજ્યોને કડક સૂચના
સુપ્રીમ કોર્ટે રાજ્યોને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ પોલીસ સ્ટેશનોને સૂચના આપે કે FIR નોંધતી વખતે અને ચાર્જશીટ દાખલ કરતી વખતે આ હેન્ડબુકની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે ટૂંક સમયમાં આ મુદ્દે તર્કબદ્ધ અને વિસ્તૃત નિર્ણય પણ અપલોડ કરશે, જેથી ન્યાય પ્રક્રિયામાં મહિલાઓની સંવેદનાઓને પ્રાધાન્ય મળે.

