Sir Garfield Sobers Death ક્રિકેટ જગતના દિગ્ગજ અને સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર પૈકીના એક, સર ગારફિલ્ડ સોબર્સનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે. વેસ્ટ ઈન્ડિઝના આ પૂર્વ દિગ્ગજે બાર્બાડોસ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ૯૦ વર્ષના થવાના હતા, પરંતુ તે પહેલાં જ ક્રિકેટ વિશ્વએ તેના એક અમૂલ્ય રત્નને ગુમાવ્યું છે. સોબર્સ પોતાના પાછળ બે પુત્રો અને એક દત્તક પુત્રીને શોકાતુર છોડી ગયા છે. ૧૯૫૪ થી ૧૯૭૪ દરમિયાન તેમણે ૯૩ ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરીને ક્રિકેટમાં અજોડ નામ કમાયું હતું.
Sir Garfield Sobers Death ક્રિકેટના ‘ફાઈવ-ઈન-વન’ ખેલાડી
ગેરી સોબર્સની પ્રતિભા એવી હતી કે સર ડોન બ્રેડમેન તેમને ‘ફાઈવ-ઈન-વન’ ક્રિકેટર તરીકે ઓળખાવતા હતા. તેમની વિશેષતા એ હતી કે તેઓ માત્ર શાનદાર બેટ્સમેન અને ફીલ્ડર જ નહોતા, પરંતુ બોલિંગમાં પણ અનેક કળા જાણતા હતા. તેઓ ડાબા હાથે ફાસ્ટ બોલિંગ, સ્લો બોલિંગ અને રિસ્ટ સ્પિન પણ કરી શકતા હતા. સોબર્સની આ સર્વગુણ સંપન્ન ક્ષમતાને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક વધારાનો બેટ્સમેન રમાડવાની લક્ઝરી મળી જતી હતી.
અતૂટ અને ઐતિહાસિક ૩૬૫ રનનો રેકોર્ડ
સોબર્સના નામે ક્રિકેટ ઈતિહાસનો એક એવો રેકોર્ડ છે, જે ૬૮ વર્ષ પછી પણ અકબંધ છે. ૧૯૫૮માં પાકિસ્તાન સામે કિંગ્સ્ટનમાં રમાયેલી મેચમાં, માત્ર ૨૧ વર્ષ અને ૨૧૩ દિવસની વયે તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ સદીને સીધી ૩૬૫ રનની ત્રિપલ સેન્ચુરીમાં બદલી નાખી હતી. આ સિદ્ધિ મેળવનાર તેઓ વિશ્વના સૌથી યુવા બેટ્સમેન બન્યા હતા. તે સમયે આ ટેસ્ટ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર હતો, જેને ૧૯૯૪માં બ્રાયન લારાએ તોડ્યો હતો. પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈમ્તિયાઝ અહેમદની સદી સામે સોબર્સના ૩૬૫* અને કોનરાડ હન્ટના ૨૬૦ રનની મદદથી ૭૯૦ રન બનાવીને પાકિસ્તાનને એક ઈનિંગ અને ૧૭૪ રનથી પરાજય આપ્યો હતો.
એક નજર સોબર્સના ભવ્ય કેરિયર પર
સર ગારફિલ્ડ સોબર્સનો ટેસ્ટ આંકડો તેમની મહાનતાની સાક્ષી પૂરે છે. તેમણે ૯૩ ટેસ્ટ મેચોમાં ૫૭.૭૮ની પ્રભાવશાળી સરેરાશ સાથે કુલ ૮૦૩૨ રન બનાવ્યા, જેમાં ૨૬ સદી અને ૩૦ અર્ધસદીનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, બોલિંગમાં પણ તેમણે ૨૩૫ વિકેટ ઝડપીને એક સાચા ઓલરાઉન્ડર તરીકે પોતાની છાપ છોડી હતી. ક્રિકેટ જગત હંમેશા તેમને એક એવા મહાન ખેલાડી તરીકે યાદ રાખશે જેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી.
આ પણ વાંચો: ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

