Vastrall Fire Accident અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરાડ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Vastrall Fire Accident: શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી RAF કૅમ્પની પાછળના વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં એક શેડ બનાવીને ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. મેહુલ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા સંચાલિત આ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની સેકન્ડોમાં જ એક મોટો બ્લાસ્ટ થયો હતો. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે નજીકમાં ફરજ બજાવતા RAF ના જવાનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ફાયર વિભાગની પાંચ વોટર ટેન્કર વાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
તંત્રની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા ઝોન ૮ ના ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર ૨ ના જેસીપી જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ધમધમતી હતી. જેસીપી જયપાલસિંહ રાઠોડે સ્પષ્ટતા કરી છે કે ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પોલીસ કમિશનરે પણ સ્થળની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસનો વિષય બન્યું છે.

