પરપ્રાંતીય માફિયાઓ સામે નેનપુરના ખેડૂતોએ ખોલ્યો મોરચો,મામલતદારને આવેદનપત્ર આપ્યું

Nenpur Farmers Protest Illegal Brick

 Nenpur Farmers Protest Illegal Brick  ખેડૂત દિવસ-રાત મહેનત કરીને પાક ઉગાડે, ખેતરમાં પરસેવો પાડે અને પરિવારનું ગુજરાન ચલાવવાની આશા રાખે; પરંતુ જો ખેતરમાં ઊભા પાક પર ઈંટવાડાની રાખ ઊડતી હોય, ખેતરના રસ્તાઓ ભારે વાહનોના કારણે બિસ્માર બનતા હોય અને ખેતીલાયક જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવતી હોવાના આક્ષેપો ઊઠે, તો ખેડૂતો ન્યાય માગવા કોના દરવાજે જાય? ખેડા જિલ્લાના મહેમહેવાદ તાલુકાના નેનપુર ગામમાં ઈંટવાડાને લઈને આવો જ વિવાદ સામે આવ્યો છે.

નેનપુર ગામ નજીક મલાતજ સીમમાં ચાલતા ઈંટવાડા સામે ખેડૂતોએ બાંયો ચડાવી છે. ઈંટવાડાના કારણે ખેતી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભઠ્ઠો તાત્કાલિક બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

 Nenpur Farmers Protest Illegal Brick ખેડૂતોને આર્થિક ફટકો!

ખેડૂતોના આવેદનપત્ર મુજબ, ઈંટવાડામાંથી ઊડતી રાખ સીધી ખેતરોમાં પહોંચે છે અને ઊભા પાક પર જમા થાય છે. તેના કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેતીના વધતા ખર્ચ વચ્ચે પાકને નુકસાન થવાથી સીમાંત ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.ખેડૂતો માટે ખેતર જ આજીવિકાનું મુખ્ય સાધન છે. જો પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ સાચી હોય, તો તેની અવગણના કરવી ખેડૂતોની મુશ્કેલી વધારવા સમાન છે. હવે તંત્રએ સ્થળ તપાસ કરીને રાખથી પાકને થતી અસરની હકીકત બહાર લાવવી જરૂરી છે.

 

 

 Nenpur Farmers Protest Illegal Brick ભારે વાહનોના ભારથી રસ્તા ખખડધજ, સિંચાઈ લાઇનોને પણ નુકસાન!

ઈંટવાડા સાથે સંકળાયેલા ભારે વાહનોની સતત અવરજવરને કારણે ખેતરોમાં આવવા-જવાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. એટલું જ નહીં, સિંચાઈ માટેની પાણીની ધારીયાઓ અને પાઇપલાઇનો પર વાહનો ફરી વળતાં તેને નુકસાન થયું હોવાની પણ ફરિયાદ છે.

ખેતરમાં પાક ઉગાડવા માટે પાણી અને રસ્તા બંને જરૂરી છે. આવી સુવિધાઓને નુકસાન પહોંચે તો ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલી અને વધારાનો ખર્ચ સહન કરવો પડે. તેથી નુકસાનની તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માગ ઊઠી છે.

4થી 6 ફૂટ સુધી ખોદકામનો આક્ષેપ, જમીનના રક્ષણ સામે સવાલ

ખેડૂતોએ આસપાસનાં ખેતરોમાંથી આશરે 4થી 6 ફૂટ ઊંડું ખોદકામ કરીને માટી કાઢી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ખોદકામ કાયદેસર મંજૂરીથી થયું છે કે નિયમોનો ભંગ થયો છે, તે તપાસનો વિષય છે. ખેડૂતોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓથી ખેતીલાયક જમીન અને પર્યાવરણને નુકસાન થઈ શકે છે.

જો મંજૂરી વિના ખોદકામ થયું હોવાનું તપાસમાં સાબિત થાય, તો સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી થવી જોઈએ. જમીનના રક્ષણની જવાબદારી માત્ર ખેડૂતોની નથી; નિયમોનો અમલ કરાવવાની જવાબદારી વહીવટી તંત્રની પણ છે.

મામલતદાર સમક્ષ ખેડૂતોની માગ: તપાસ કરો, ભઠ્ઠો બંધ કરાવો!

નેનપુરના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની, ઈંટવાડાની કાયદેસરતા ચકાસવાની અને પાક, જમીન તથા સિંચાઈની સુવિધાઓને થયેલા નુકસાનની હકીકત તપાસવાની માગ કરી છે. ઈંટવાડો નિયમો વિરુદ્ધ ચાલતો હોવાનું સાબિત થાય તો તેને બંધ કરાવી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

હવે સવાલ સ્થાનિક તંત્ર સામે છે: ખેડૂતોની રજૂઆત બાદ સ્થળ તપાસ ક્યારે થશે? ઈંટવાડા પાસે જરૂરી મંજૂરીઓ છે કે નહીં તેની ચકાસણી થશે? અને ખેડૂતોના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે પગલાં લેવાશે?

ખેડૂતોની ફરિયાદને માત્ર કાગળ પર સીમિત રાખવાને બદલે તંત્રએ સ્થળ પર જઈ હકીકત તપાસવી જોઈએ. ખેડૂતોને ન્યાય અને ખેતીલાયક જમીનનું રક્ષણ મળે તે માટે હવે તપાસ અને કાર્યવાહી જરૂરી છે.

 

પરપ્રાંતીય ઈંટવાડા સંચાલકો સામે ધમકી આપ્યાના આક્ષેપ, અગાઉ પણ થઈ ચૂકી છે ફરિયાદ

નેનપુરમાં ઈંટવાડાને લઈને વિવાદ માત્ર ખેતી અને જમીનને થતા નુકસાન પૂરતો સીમિત રહ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ મામલે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી. ઈંટવાડા સંબંધિત વિવાદમાં ખેડૂતોને ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હવે સવાલ એ છે કે અગાઉની ફરિયાદ પર તંત્રએ શું કાર્યવાહી કરી હતી અને ખેડૂતોની સુરક્ષા તથા તેમની ખેતીને નુકસાનની ફરિયાદ અંગે કેવાં પગલાં લેવામાં આવ્યાં? ખેડૂતોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

મહેમદાવાદના નેનપુરમાં પરપ્રાંતીય માફિયાઓ સામે ખેડૂતો લાચાર! ખેતર અને પાક થઇ રહ્યા છે નષ્ટ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *