Aditya Gadhvi Rang Morla controversy જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના ગરબા મહોત્સવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જાણીતા એન્કર RJ આકાશ સ્ટેજ પરથી લઘુમતી સમાજના લોકોને ગરબા સ્થળેથી બહાર નીકળી જવા કહેતા સંભળાય છે, એવો દાવો છે. વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો. આ પછી આદિત્ય ગઢવી અને RJ આકાશે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે.
Aditya Gadhvi Rang Morla controversy શું બન્યું હતું?
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ‘રંગ મોરલા’ નામે આદિત્ય ગઢવીના ગરબા મહોત્સવનું આયોજન થયું છે. અહેવાલ મુજબ ગઈકાલે બ્રેક દરમિયાન RJ આકાશે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે ગરબામાં કોઈ વિધર્મી હોય તો નીકળી જાય, અને જો કોઈ જણાય તો હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકાય. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કાર્યરત છે. આ મહોત્સવ 10 થી 19 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાઈ રહ્યો હોવાનું આયોજકોની અગાઉની જાહેરાતમાં જણાવાયું હતું.
આદિત્ય ગઢવીની સ્પષ્ટતા
વિવાદ વકરતાં આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી. તેમણે લખ્યું કે તેઓ એક કલાકાર છે અને ગર્વ અનુભવતા હિન્દુ છે, અને નવરાત્રિ તેમના માટે વર્ષના સૌથી પવિત્ર દિવસો છે. માઁ અંબેની સામે હજારો લોકો વચ્ચે ગાવું તેમના માટે આશીર્વાદરૂપ છે.
તેમણે કહ્યું, “ગરબાએ ક્યારેય કોઈની અટક નથી પૂછી. જે કોઈ વ્યક્તિ માતાજી પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં આવે છે, તેમનું સ્વાગત છે. ઇવેન્ટના સ્થળે જે કંઈ બન્યું, તે મારો સંદેશ નહોતો.” ગઢવીએ ઉમેર્યું કે કેટલાક લોકોએ બેકસ્ટેજ પર કબજો કરી લીધો અને તેમના પ્લેટફોર્મનો એવું કૃત્ય કરવા ઉપયોગ કર્યો, જે તેઓ ક્યારેય ન કરે.

