SBI Data Leak: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બેંકના હજારો ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બેંકની પ્રારંભિક તપાસમાં 3897 ગ્રાહકોના રેકોર્ડ ડાર્ક વેબ પર જોવા મળ્યા છે, જેમાં તેમની અત્યંત સંવેદનશીલ અને વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી સામેલ છે.
મળતી માહિતી મુજબ, 16 ઓક્ટોબરના રોજ ડિફેન્સ સાયબર એજન્સી અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આ સંભવિત ડેટા લીક અંગે બેંકને એલર્ટ આપવામાં આવ્યું હતું. ડાર્ક વેબ પર રહેલા આશરે 3.75 લાખ રેકોર્ડ્સનું પ્રાથમિક વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાંથી 3,897 ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મ તારીખ, નામ, લિંગ, ઈમેલ એડ્રેસ, ઘરનું સરનામું અને કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ (CIF) જેવી અંગત માહિતી લીક થઈ હોવાનું બહાર આવ્યું છે.
SBI Data Leak: સાયબર ફ્રોડથી બચવા ગ્રાહકોએ સાવચેત રહેવું જરૂરી
આ ગંભીર ઘટના બાદ બેંકે તાત્કાલિક ધોરણે પોતાના ‘સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ’ અને ‘કન્ટેનમેન્ટ પ્રોટોકોલ’ લાગુ કરી દીધા છે. વધુમાં, SBI એ CERT-In દ્વારા માન્યતા પ્રાપ્ત એક સ્વતંત્ર સાયબર સિક્યુરિટી એજન્સીને આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ સોંપી છે. આ એજન્સી ડેટા લીકના મૂળ સ્રોત અને તેની અસરનું વ્યાપક મૂલ્યાંકન કરશે. જોકે, બેંકે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાની બેંકની મુખ્ય કામગીરી કે નાણાકીય વ્યવહારો પર કોઈ જ પ્રતિકૂળ અસર પડી નથી.
બેંક ગ્રાહકોનો આવો અંગત ડેટા લીક થવાથી સાયબર ફ્રોડનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભેજાબાજ સાયબર અપરાધીઓ આ લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને બેંક કર્મચારી તરીકે ગ્રાહકને ફોન કરે છે. તેઓ નામ અને સરનામું જણાવીને ગ્રાહકનો વિશ્વાસ જીતી લે છે અને ત્યારબાદ વાતચીત દરમિયાન OTP મેળવીને બેંક ખાતામાંથી મોટી રકમ સેરવી લેતા હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને કોઈ પણ અજાણ્યા કોલ પર પોતાની બેંકિંગ માહિતી કે OTP શેર ન કરવા માટે સતર્ક રહેવાની સલાહ છે.

