Air India Baggage Case:સામાન ગુમ થવો એરલાઇન્સને ભારે પડ્યો, ગ્રાહક કમિશને અમદાવાદના પરિવારને રૂ. 2.50 લાખ ચૂકવવાનો આદેશ કર્યો

Air India Baggage Case:

Air India Baggage Case: હવાઈ મુસાફરી દરમિયાન જો તમારો સામાન ગુમ થઈ જાય તો વિદેશમાં કેટલી હાલાકી ભોગવવી પડે છે, તેનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જોકે, પ્રવાસીઓ પ્રત્યે દાખવવામાં આવેલી આ બેદરકારી એરલાઇન્સને ભારે પડી છે. સિંગાપોર પ્રવાસમાં સામાન ગુમ થવાના કેસમાં ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એર ઈન્ડિયાને અમદાવાદના એક પરિવારને વળતર તરીકે રૂ. 1.50 લાખ અને માનસિક ત્રાસ બદલ રૂ. 1 લાખ એમ કુલ રૂ. 2.50 લાખ ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

સમગ્ર કેસની વિગતો મુજબ, જાન્યુઆરી 2015માં અમદાવાદના ભાટ વિસ્તારમાં રહેતો એક પરિવાર રજાઓ ગાળવા માટે સિંગાપોર ગયો હતો. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણવા મળ્યું કે અમદાવાદથી તેમની ફ્લાઇટમાં તેમનો ચેક્ડ-ઇન સામાન લોડ જ કરવામાં આવ્યો ન હતો. એરલાઇન્સ દ્વારા વારંવાર સામાન આગામી ફ્લાઇટમાં આવી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સાત દિવસના રોકાણ દરમિયાન સામાન પહોંચ્યો જ નહોતો.

Air India Baggage Case: સિંગાપોર ટ્રીપમાં સામાન ન પહોંચતા પરિવારે ભોગવી હાલાકી

કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓ ન હોવાના કારણે પરિવારે ફરજિયાતપણે 4,439 સિંગાપોર ડૉલરનો અણધાર્યો ખર્ચ કરવો પડ્યો હતો. આ મામલે કાનૂની નોટિસનો એર ઈન્ડિયા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં પરિવારે ગ્રાહક કમિશનનો સંપર્ક કર્યો હતો. અગાઉ જિલ્લા કમિશને રૂ. 1 લાખનું વળતર મંજૂર કર્યું હતું, પરંતુ કપડાં ખરીદવાનો ખર્ચ આપવાનો ઇનકાર કર્યો હતો. આ આદેશ સામે પરિવારે રાજ્ય કમિશનમાં અપીલ કરી હતી. એર ઈન્ડિયાએ એવી દલીલ કરી હતી કે પરિવારે ખરીદેલી વસ્તુઓ પરત કરવી જોઈએ, નહીંતર તે ગેરવાજબી નાણાકીય લાભ ગણાશે.

આ દલીલ ફગાવતા રાજ્ય ગ્રાહક કમિશને સ્પષ્ટ કર્યું કે, સામાન ખોવાઈ જવાથી પ્રવાસીઓને માત્ર હાલાકી જ નથી પડતી, પરંતુ તેમની પૂર્વ-આયોજિત રજાઓ માણવાની ક્ષમતા પર પણ મોટી અસર પડે છે. તાકીદની ખરીદીમાં પ્રવાસીઓએ તેમની સાઇઝ, રંગ અને ડિઝાઇન જેવી પસંદગીઓ સાથે બાંધછોડ કરવી પડે છે. વધુમાં, આવા ખર્ચાઓથી મનોરંજન અને સાઇટસીઇંગનું બજેટ ખોરવાય છે. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને રાજ્ય કમિશને એર ઈન્ડિયાને વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

શાસન બદલવાથી પરિસ્થિતિ નથી બદલાતી: RSS વડા મોહન ભાગવતનું વિજયાદશમી સંબોધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *