Ahmedabad Railway Station Redevelopment: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક અને વિશ્વસ્તરીય બનાવવાની કામગીરીની ગતિ સામે સવાલો ઊભા થયા છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી આંકડા મુજબ ભૌતિક પ્રગતિ માત્ર 20 ટકા નોંધાઈ છે. પ્રોજેક્ટની મંજૂરી 24 જાન્યુઆરી, 2023ના રોજ આપવામાં આવી હતી અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 30 જૂન, 2027 નક્કી કરાઈ છે.
પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 2,379 કરોડ રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી થયેલા ખર્ચની સરખામણીએ કામની પ્રગતિ ઓછી હોવાને કારણે બાકીના 80 ટકા કામને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું કરવા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાતના અન્ય રેલવે પ્રોજેક્ટમાં પણ વિલંબ
ગુજરાતમાં ભારતીય રેલવેના કુલ 27 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટને મંજૂરી મળ્યાને વર્ષો વીતી ગયાં હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી.
અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રેલવે પ્રોજેક્ટને 2008માં મંજૂરી મળી હતી. રૂ. 2,837.80 કરોડના આ પ્રોજેક્ટની પ્રગતિ 91 ટકા નોંધાઈ છે. છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટને 2007માં મંજૂરી મળી હતી, પરંતુ તેની કામગીરી 58 ટકા સુધી પહોંચી છે. દાહોદ-ઇન્દોર પ્રોજેક્ટની પ્રગતિ પણ 57 ટકા દર્શાવવામાં આવી છે.
Ahmedabad Railway Station Redevelopment સાથે સુરક્ષા પ્રોજેક્ટમાં પણ વિલંબ
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ રેલવે માર્ગ પર ટ્રેન અકસ્માતો અટકાવવા માટે ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવાનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 311 કરોડ હતો, જે વધારીને રૂ. 379.61 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રૂ. 234.90 કરોડ ખર્ચાયા હોવા છતાં માત્ર 20 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ હવે તેની સમયમર્યાદા ડિસેમ્બર 2026 કરવામાં આવી છે.
અન્ય પ્રોજેક્ટમાં નળિયા-જખૌ પોર્ટ બ્રોડગેજ લાઇનનું કામ 5 ટકા, સાબરમતી ટ્રેનસેટ મેઇન્ટેનન્સ સુવિધાનું કામ 91 ટકા અને બરેજડી-નાંદેજ-ગેરતપુર-સાણંદ ચોથી લાઇનનું કામ 25 ટકા પૂર્ણ થયું છે. આ આંકડા ગુજરાતમાં રેલવે માળખાકીય પ્રોજેક્ટની સમયમર્યાદા અને કામગીરીની ગતિ અંગે ધ્યાન દોરે છે.

