India Pakistan Border Security મજબૂત બનાવવા માટે ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખાસ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી છે. 10 IPS અધિકારીઓ 26 અને 27 નવેમ્બરે કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 સરહદી ગામોમાં બે રાત રોકાઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ દરમિયાન અધિકારીઓ સ્થાનિક લોકોનાં ઘરોમાં રોકાશે અને ગ્રામજનો તથા પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે.
આ કવાયતનો મુખ્ય હેતુ સરહદ પર પેટ્રોલિંગ, સુરક્ષા માળખું અને વિવિધ એજન્સીઓની તૈયારીનું મૂલ્યાંકન કરવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્તાવિત ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકો બાદ આ કામગીરી હાથ ધરાઈ છે.
India Pakistan Border Security માટે IPS અધિકારીઓની ખાસ જવાબદારી
વિવિધ અધિકારીઓને અલગ-અલગ સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા રેન્જના IG સંદીપ સિંહ પૂર્વ કચ્છના કલ્યાણપર અને ભામણકાની મુલાકાત લેશે. જામનગરના SP રવિ મોહન સૈની વારસારા અને ધાબડા જશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ પશ્ચિમ કચ્છના સુમરાપોર અને મોટા પૈયાની મુલાકાત લેશે. ઇન્ટેલિજન્સ-IIના IGP એન.એન. ચૌધરી અતાડા અને લખાપરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.
કાયદો અને વ્યવસ્થાના IG મકરંદ ગોવિંદ ચૌહાણ મીઠડી અને ભગડિયાની મુલાકાત લેશે. ભરૂચના SP અક્ષય રાજ રતાડિયા રતાડલ અને રોહાતલ જશે. પંચમહાલ રેન્જના DIG વિધિ ચૌધરી વાવ-થરાદના કરેલી અને બરડવીમાં સમીક્ષા કરશે.
આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમ રેલવેના SP યશપાલ જગનિયા, સ્ટેટ મોનિટરિંગ યુનિટના SP એમ.જે. ચાવડા અને અમદાવાદ ઝોન-8ના DCP મયૂર પાટીલને પણ અલગ-અલગ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે.
અધિકારીઓ રાત્રિના સમયે પણ સમીક્ષા બેઠકો યોજીને સ્થાનિક લોકોની ચિંતાઓ અને સુરક્ષાની જરૂરિયાતો સમજશે. કવાયત બાદ મળતા પ્રતિસાદના આધારે સુરક્ષામાં રહેલી ખામીઓ ઓળખવા તેમજ સરહદી વિસ્તારો માટે ભવિષ્યની સુરક્ષા અને વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં મદદ મળશે.

