ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમે આપેલા 133 રનના લક્ષ્યને માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરળતાથી ભારતીય સ્પિનરો સામે ઝઝૂમી ગયા હતા અને સમગ્ર ટીમ માત્ર 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ તબાહી મચાવીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
આ પહેલા ઈંગ્લેન્ડની બેટિંગ 132 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન જોશ બટલરે 68 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અન્ય કોઈ ઈંગ્લિશ બેટ્સમેન રન બનાવી શક્યો નહોતો. નાના લક્ષ્યની સામે ભારતીય ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. સંજુ સેમસને 26 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન બનાવ્યા હતા. અભિષેકે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
અહીં ભારતની વિસ્ફોટક બેટિંગ જોઈને ઈંગ્લેન્ડના બોલરોના મનોબળ તૂટી ગયા હતા. જોફ્રા આર્ચરે 4 ઓવરની બોલિંગમાં 21 રન આપીને 2 વિકેટ લીધી હતી. આદિલ રાશિદને એક વિકેટ મળી હતી. જ્યારે ભારત તરફથી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો નથી. અર્શદીપને ભારત તરફથી એકમાત્ર ઝડપી બોલર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. જ્યારે 3 સ્પિનરોને રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની મેચમાં અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી રમી રહ્યા છે. જોકે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડી પણ ઝડપી બોલિંગ કરે છે.