mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની કબર પણ આવી રહી છે.
mother’s grave -અંસારી 41 અરજદાર પૈકીના એક છે, જેમણે આ નિર્ણય સામે કોર્ટમાં અવાજ ઉઠાવ્યો છે. આ લોકોએ કોર્ટમાં આટલું જણાવ્યું છે કે ગોમતીપુર વિસ્તારમાં હાથીખાના પાસે રોડ પહોળો કરવા માટે સત્તાવાર રીતે તોડફોડ કરવાની યોજના છે, જેમાં ચારતોડા કબ્રસ્તાનની દીવાલ સાથે ઘર અને દુકાનોનો પણ સામેલ છે. મોહમ્મદ ઇરશાદ અંસારીએ કોર્ટમાં એએમસીને તેમની માતાની કબર ન તોડવાની અપીલ કરી છે.
અંસારીની માતાનું 2020માં કોરોના મહામારી દરમિયાન અવસાન થયું હતું. પોતાની અરજીમાં, મોહમ્મદ ઇરશાદ અંસારીએ જણાવ્યું છે કે તેની માતાની કબર તોડવાથી તેમના પરિવારની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. તે અને તેમના પરિવારના સભ્યો અવારનવાર ધાર્મિક પ્રાર્થનાઓ કરવા માટે કબર પર જાય છે.ઉલ્લેખનીય છે કે, ચારતોડા કબ્રસ્તાનમાં બે મસ્જિદો, ઘરો અને દુકાનો સહિત કુલ 241 સ્ટ્રક્ચર છે. આ બધાની માલિકી અને મેનેજમેન્ટ અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ બોર્ડ પાસે છે. દુકાનો અને ઘરોના કબજેદારોનો દાવો છે કે તેઓ જમીન સમિતિને નિયમિત ભાડું ચૂકવતા રહે છે.અંસારીએ તેની અરજીમાં એ પણ જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે તેને કોઈપણ કારણ આપ્યા વગર તેમની મિલકત ખાલી કરાવવાનો અધિકાર નથી.