Amreli Letter Scandal : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા પત્રના મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ગઇકાલે (1 જાન્યુઆરી) પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ હવે પરેશ ધાનાણી પણ આ મુદ્દે ધડાકેદાર પ્રવેશ કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, “કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો ‘વરઘોડો’ કાઢ્યો છે. સમાજ ક્યારેય માફ નહીં કરે.”
આ મુદ્દે આજે (2 જાન્યુઆરી) અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, મનોજ પનારા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ કૌશિક વેકરિયા, મહેશ કસવાળા અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી.પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેંચવાની ચર્ચા બાદ એસ.પી. ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી.
દિનેશ બાંભણીયાની પ્રતિક્રિયા
દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે પટેલ સમાજની દીકરી પાયલ ગોટીનો આ કેસ પાયલ અને તેના પરિવાર માટે ગંભીર છે. આ મામલે દીકરીનું નામ ફરિયાદમાંથી કાઢવા માટે સરકાર અને ગૃહ વિભાગ સાથે વાતચીત થઈ રહી છે.
કૌશિક વેકરિયાનો સહકાર
ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું કે કૌશિકભાઇએ પટેલ સમાજની દીકરીને ન્યાય મળે તે માટે સહમતી દર્શાવી છે. ગેર સમજણને દૂર કરીને મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મુદ્દાની પૃષ્ઠભૂમિ
વિદ્યાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ખોટી સાઇન કરેલી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ષડયંત્ર પૂર્વ યુવા ભાજપ પ્રમુખ બનવા માટે રચાયું હતું.
આ કેસમાં 28 ડિસેમ્બરનાં રોજ પાયલ ગોટી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 29 ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પરેશ ધાનાણીનો આક્ષેપ
કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઘટનાને લઈને ટ્વિટ કર્યું કે, “અહંકારી કૌરવ સંસ્કૃતિના લોકો એ જાહેરમાં કન્યાની અવમાનના કરી છે, જે ગુજરાતની માનમર્યાદાને ઠેસ પહોંચાડે છે. આ કૃત્યને સમાજ ક્યારેય માફ નહીં કરે.” આ મુદ્દે પટેલ સમાજ અને રાજકીય આગેવાનો વચ્ચે ચર્ચા જારી છે.