China imposes 84% tariff on US: અમેરિકાએ ચીન પર લાદેલા 104% ટેરિફના પગલે ચીન પણ હવે આક્રમક સ્થિતિમાં આવ્યો છે. ચીન સરકારે જાહેરાત કરી છે કે હવે તેઓ પણ અમેરિકી ઉત્પાદનો પર 84% ટેરિફ લાદશે, જે આવતીકાલથી અમલમાં આવશે.
એ પહેલાં, ચીને અમેરિકાના ઉત્પાદનો પર 34% ટેરિફ લગાવ્યો હતો. હવે તેમાં 50%નો વધારો કરીને કુલ 84% ટેરિફ લાગુ કરાયો છે. બીજી બાજુ, અમેરિકાનું 104% ટેરિફ આજથી અમલમાં આવ્યું છે, જેનાથી ચીનમાંથી આવતો માલ હવે અમેરિકામાં ઘણો મોંઘો થશે.
ટ્રમ્પનો કડક સંદેશ: ટેરિફ વિરુદ્ધ વાંધો ઉઠાવનાર ઠગ છે
પ્રેસિડેંટ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટેરિફને સમર્થન આપતા જણાવ્યું હતું કે, “જે લોકો ટેરિફની ટીકા કરે છે તેઓ ઠગ અને છેતરપિંડી કરનાર છે. અમે ટેરિફથી દૈનિક 2 અબજ ડોલર કમાઈ રહ્યા છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમેરિકા પહેલાં 90,000 ફેક્ટરીઓ ગુમાવતું હતું, ત્યારે કોઈ વાત નથી કરી. હવે અમે ન્યાયી હિસ્સો માંગીએ છીએ, તો બધાને પરેશાની થાય છે.”
ચીનનો જવાબ: અમે છેલ્લી લડાઈ સુધી તૈયાર
ચીન તરફથી મળેલા જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ અને ધમકીઓ અમર્યાદિત છે અને ચીન તેના સામે મજબૂતીથી લડીને ઊભો રહેશે. ચીની સરકારના પ્રવક્તાએ કહ્યું કે “અમેરિકાનું બ્લેકમેઇલિંગ સ્વીકાર્ય નથી. જો વેપાર યુદ્ધ થાય છે, તો અમે તૈયાર છીએ.”
“યુએસ ટેરિફથી અસર થશે, પણ ‘આકાશ તૂટી નહીં પડે’.”
Huaweiના સંશોધન કેન્દ્રથી ચીનની આગળ વધી રહેલી તૈયારી
Huawei કંપનીએ શાંઘાઈમાં વિશાળ સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે, જે Googleના કેલિફોર્નિયા સ્થિત મુખ્યાલય કરતાં 10 ગણી જગ્યા ધરાવે છે. ચીનની ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર થવાની દિશામાં મોટો પગથિયુ માનવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનું રણનિતિક ઘોષણાપત્ર રજૂ કર્યું
ટ્રમ્પે 2 એપ્રિલે જાહેરાત કરી હતી કે અમેરિકા હવે રેસિપ્રોકલ (પારસ્પરિક) ટેરિફ સિસ્ટમ લાગુ કરશે, જેમાં ભારત પર 26%, ચીન પર 34%, યુરોપ પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે ભારત વિશે કહ્યું હતું કે, “મોદી મારા સારા મિત્ર છે, પણ ભારત અમેરિકા સાથે યોગ્ય વ્યવહાર નથી કરતું.”
શેરબજારમાં હાહાકાર
આ એક્શનના કારણે અમેરિકાના શેરબજારમાં ભારે મંદી જોવા મળી છે. S&P 500 ઇન્ડેક્સના શેર મૂલ્યમાં $5.8 ટ્રિલિયનનો ઘટાડો થયો છે, જે છેલ્લાં કેટલાય દાયકાઓમાં સૌથી મોટો ઘટાડો ગણાય છે.