લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.

વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માંગણી પર થયેલા હિંસક પ્રદર્શનોના પગલે કરવામાં આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. એજન્સી પીટીઆઈ અનુસાર, લદ્દાખ પોલીસના વડા એસ. ડી. સિંહ જમ્વાલના નેતૃત્વમાં શુક્રવારે બપોરે 2:30 વાગ્યે વાંગચુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

સત્તાવાર રીતે તેમના પરના આરોપોની પુષ્ટિ નથી થઈ, પરંતુ સૂત્રોનું કહેવું છે કે વાંગચુક પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ લેહ ક્ષેત્રમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સત્તાવાળાઓએ વાંગચુક પર લેહમાં તાજેતરની હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે, જોકે તેમણે આ આરોપોનો ઇનકાર કર્યો છે. વાંગચુકે કહ્યું હતું કે યુવાનોમાં રહેલો ગુસ્સો જ હિંસાનું કારણ છે અને તેમને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા છે.

આ ધરપકડના એક દિવસ પહેલા જ ગૃહ મંત્રાલયે વાંગચુક દ્વારા સ્થાપિત સંગઠન “સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ” (SECMOL) નું એફસીઆરએ (FCRA) લાયસન્સ રદ કરી દીધું હતું. મંત્રાલયે આ માટે નાણાકીય ગેરરીતિઓ અને “રાષ્ટ્રીય હિત” વિરુદ્ધ માનવામાં આવેલા નાણાંના હસ્તાંતરણનો હવાલો આપ્યો હતો. વાંગચુક ઘણા સમયથી લદ્દાખમાં ચાલતા આંદોલનની આગેવાની કરી રહ્યા છે, જેના કારણે તેમને સમર્થકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ પણ વાંચો:  UN માં પાક. PM Shehbaz Sharif નું સરેઆમ જૂઠ: ‘ઓપરેશન સિંદૂર’ની હાર છુપાવવા સાત ભારતીય વિમાન તોડી પાડવાનો કર્યો દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *