ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183 નેતાઓને પીસીસી (PCC) નિરીક્ષકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ નિરીક્ષકોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, 7 સહાયક નિરીક્ષકોની પણ નિયુક્તિ કરવામાં આવી છે, જે નિરીક્ષકોની કામગીરીમાં સહાયરૂપ બનશે. કોંગ્રેસ દ્વારા લેવામાં આવતું આ પગલું સંગઠનને સ્થિરતા, સુદૃઢતા અને નવસર્જન તરફ દોરી શકે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ સાથે ગુજરાત કોંગ્રેસમાં મોટાં તબક્કે નવા ચહેરાઓને સ્થાન આપીને પ્રદેશને લોકસભા ચૂંટણી પૂર્વે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.જેમા મિશન ગુજરાત અંતર્ગત, હાઇકમાન્ડે દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે.
જેમા રાજસ્થાનના હરીશ ચૌધરી, બાબુલાલ નાગર, અર્જુન બામણિયા, નીરજ ડાંગી, હરિશ્ચન્દ્ર મીણા, ભજનલાલ જાટવ, કુલદીપ ઇન્દોરા, ધીરજ ગુર્જર, ઇન્દિરા મીણા, અમીન કાગઝી, જગદીશ જાંગીડ અને મનીષા પવાર જેવા નેતાઓને પણ એઆઇસીસી નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે.