કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ જાહેરાતથી રાજકીય વાતાવરણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે.
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી –બેઠકો ખાલી થવાનું કારણ
કડી બેઠક: આ બેઠક ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પુંજાભાઈ સોલંકીના ફેબ્રુઆરી 2025માં અવસાનને કારણે ખાલી પડી હતી.
વિસાવદર બેઠક: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ડિસેમ્બર 2023માં રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ગેનીબેન ઠાકોરની જીત બાદ તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, જેના પર પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે, વિસાવદર બેઠક માટે કોર્ટ કેસ પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો.
પેટાચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી પંચે નીચે મુજબનો કાર્યક્રમ જાહેર કર્યો છે:
ગેઝેટ નોટિફિકેશન: 26 મે, 2025 (સોમવાર)
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 2 જૂન, 2025 (સોમવાર)
ઉમેદવારી ચકાસણી: 3 જૂન, 2025 (મંગળવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 5 જૂન, 2025 (ગુરુવાર)
મતદાન: 19 જૂન, 2025 (ગુરુવાર)
મતગણતરી: 23 જૂન, 2025 (સોમવાર)
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ: 25 જૂન, 2025 (બુધવાર)
રાજકીય પક્ષોની તૈયારીઓ
આ પેટાચૂંટણીઓ ગુજરાતના રાજકીય વાતાવરણને ફરીથી ગરમાવશે, કારણ કે ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કરની શક્યતા છે.
આમ આદમી પાર્ટી (AAP): AAPએ વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે, અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસે બંને બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર જ જીતશેપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી કડી બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો- મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!