Extra buses for Holi : વતન જતાં મુસાફરો માટે રાહત! હોળી પર દોડશે 7100 એસટી બસો

Extra buses for Holi

 Extra buses for Holi : રાજ્યના નાગરિકોને આવનારી હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન સરળ અને ઝડપી યાત્રા સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી એસ.ટી. બસો દ્વારા કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપ્સનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે, આ માહિતી એસ.ટી. નિગમ દ્વારા જાહેર કરવામાં આવી છે.

નિગમ દ્વારા પ્રદાન કરાયેલ માહિતી અનુસાર, રાજ્યમાં વિવિધ તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે, જેથી નાગરિકો તેમના પરિવાર સાથે ઉત્સવની ઉજવણી કરી શકે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જેવા જિલ્લાઓના રહેવાસી નોકરી, વ્યવસાય કે મજૂરી માટે અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા હોય છે. હોળી અને ધૂળેટી જેવા તહેવારોમાં તેઓ વતન જવા ઈચ્છતા હોય છે, જેના કારણે મુસાફરીની સુવિધા વધારવી જરૂરી બને છે.

આ હેતુથી રાજ્યના મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર સહિતના સ્થળોએ વધારાની ૧૨૦૦ એસ.ટી. બસો દ્વારા ૭૧૦૦ ટ્રીપ્સનું સંચાલન થશે. ખાસ કરીને ડાકોર અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળોએ ૫૦૦ બસો દ્વારા ૪૦૦૦ જેટલી ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવશે. આ વધારાની બસોનું સંચાલન ૧૦ માર્ચ ૨૦૨૫થી ૧૬ માર્ચ ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

ગત વર્ષે એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦૦ વધારાની બસો દ્વારા ૬૫૦૦થી વધુ ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે ૪૦૦ બસો દ્વારા ૩૦૦૦ ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

નિગમ દ્વારા પ્રદાન કરાયેલી વધારાની સેવા માટે મુસાફરો એસ.ટી. ડેપો, નિગમની વેબસાઇટ www.gsrtc.in અને નિગમની મોબાઈલ એપ્લિકેશન મારફત એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. વધુ માહિતી માટે મુસાફરો નિગમના ટોલ-ફ્રી નંબર 1800 233 666666 પર 24×7 સંપર્ક કરી શકશે. એસ.ટી. નિગમ દ્વારા નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *