Fake Ghee Factory Raid Surat: સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ [SOG] શાખાએ ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સચિન જીઆઈડીસીમાં [Sachin GIDC] મોટો દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સબકા ફૂડ્સ [Sabka Foods] નામની આ ફેક્ટરીમાં ‘વિદુર ગાયનું ઘી’ અને ‘શુદ્ધ દેશી ઘી’ ના નામે હાનિકારક કેમિકલ અને પામોલિન તેલ મિશ્રિત ઘી બનાવીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વેચવામાં આવતું હતું. પોલીસે ૩૬.૩૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે ભાગીદારોની ધરપકડ કરી છે.
નકલી ઘી બનાવવાની આશ્ચર્યજનક પદ્ધતિ (Fake Ghee Factory Raid Surat)
પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓ માત્ર ૧ કિલોગ્રામ અસલ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કલર અને કેમિકલ ઉમેરીને આશરે ૧૫ કિલોગ્રામ જેટલું ડુપ્લીકેટ ઘી તૈયાર કરતા હતા. ઘીમાં અસલ જેવી સુગંધ લાવવા માટે તેઓ ડોક્ટરની જેમ સિરીંજ [Syringe] દ્વારા ચોક્કસ માત્રામાં કેમિકલ એડ કરતા હતા. આ મિશ્રણને ગરમ કર્યા બાદ ૧૦૦ એમએલથી લઈને ૧૫ કિલોના ડબ્બામાં પેક કરી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું.
એસઓજીનો દરોડો અને ધરપકડ (SOG Raid and Arrests)
એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગશી શાંતિભાઈ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાનને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.ડી. હડિયાની [M.D. Hadia] ટીમે લક્ષ્મી પાર્ક પાસેના પ્લોટ નંબર I/33 પર દરોડો પાડ્યો હતો. પોલીસે ફેક્ટરી માલિક ભરત ગોગનભાઈ પોલરા [Bharat Goganbhai Polara] (રહે. કામરેજ) અને અમીન બાબુભાઈ વઢવાણિયાની [Amin Babubhai Vadhvaniya] (રહે. ઘોડદોડ રોડ) ધરપકડ કરી છે. આ બંને ભાગીદારો ભાડાની જગ્યામાં આ કાળો કારોબાર ચલાવતા હતા.
મુદ્દામાલની વિગત (Seized Material and Assets)
તલંગપુરના ગીતા નગર સ્થિત ગોડાઉન અને ફેક્ટરી પરના દરોડા દરમિયાન પોલીસે ૨૦૨૯ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત ૧૪.૧૯ લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત ફેક્ટરીમાંથી ૨૧.૬૧ લાખની મશીનરી અને રો-મટિરિયલ તેમજ ઓફિસમાંથી ૨ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આમ, કુલ ૩૬.૩૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સીમાંકન બિલમાં એવું શું છે જેણે વિપક્ષની ઊંઘ ઉડાવી દીધી?

