ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા.
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ: ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, આ ચારેય આરોપીઓ અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલા હતા અને ગુપ્ત રીતે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા હતા. ATSને ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લાંબી તપાસ બાદ આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ શખ્સો ગુજરાતની આંતરિક ગતિવિધિઓ પર નજર રાખીને ચર્ચાઓ કરતા હતા, જે સ્થાનિક સ્તરે સંભવિત ખતરો દર્શાવે છે
આ શંકાસ્પદ આતંકવાદીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઓટો-ડિલીટ થતી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને લોકોને કટ્ટરવાદી વિચારધારા તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા હતા. ATSએ તેમની પાસેથી જપ્ત કરેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ચેટ્સમાંથી જાણવા મળ્યું છે કે આ શખ્સો અલ-કાયદાના વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા. તેઓ એન્ક્રિપ્ટેડ ચેટ એપ્સનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે વાતચીત કરતા હતા, જેથી તેમની ગતિવિધિઓનો રેકોર્ડ ન રહે.
ધરપકડ બાદ ATS આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાઓ, જેમાં સોશિયલ મીડિયા ચેટ્સ અને હેન્ડલ્સનો સમાવેશ થાય છે, તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ પુરાવાઓ આગળની તપાસ માટે મહત્વના સાબિત થઈ શકે છે. ATSની સર્વેલન્સ ટીમે આ શખ્સોની ગતિવિધિઓ પર લાંબા સમયથી નજર રાખી હતી, જેના પરિણામે આ સફળ ઓપરેશન શક્ય બન્યું.
આ પણ વાંચો- અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ