Gujarat Police: વસ્ત્રાલ વિસ્તારમાં માથાભારે તત્ત્વોએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હોવાની ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે તાકીદે 10 જેટલી ગેંગની પ્રાથમિક યાદી બનાવી છે. આ ગેંગો જમીન હડપ કરવી, ખંડણી વસૂલવી અને ગંભીર હુમલાઓ દ્વારા ભયનો માહોલ સર્જતી હોવાનો ખુલાસો થયો છે.
અસામાજિક તત્ત્વો માટે હવે રસ્તો બંધ
અમદાવાદ પોલીસે નાગરિકોની સહાય લેતા ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં અસામાજિક તત્ત્વો અને લુખ્ખાગીરી કરનારા ઈસમો સામે કાર્યવાહી માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સએપ નંબર 63596 25365 પર નાગરિકો પોતાનું નામ ગુપ્ત રાખી, ભય ફેલાવનારા તત્ત્વોની જાણ કરી શકશે.
100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાશે
રાજ્યમાં શાંતિવ્યવસ્થા જાળવી રાખવા, ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. તેમણે 100 કલાકની અંદર અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા સુચના આપી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ વિભાગે ઝુંબેશ હાથ ધરી, શહેરમાં સક્રિય ગેંગોને ઓળખવા અને તેમની પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજસીટોક (GujCTOC) હેઠળ ગુન્હાઓ નોંધીને કડક પગલા ભરાશે, જેથી ભવિષ્યમાં આવા તત્ત્વો શહેરમાં આતંક ન ફેલાવી શકે.
હવે પોલીસ અને નાગરિકોની સંયુક્ત કામગીરીથી શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ ઉભો કરાશે.