ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. હેલ્મેટ વગર આવતા વ્યકિતને હાઇકોર્ટની પરિસરમાં પ્રવેશ નહીં મળે.
હેલ્મેટ વિના વાહનોને પરિસર બહાર જ રોકવામાં આવશે. સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન કરાયેલા અવલોકનના આધારે આ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ સૂચનાને અવગણાય છે, તો તેમના વિરુદ્ધ ગંભીર પગલાં લેવામાં આવશે. આજથી નોટીફિકેશનની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ નિર્દેશો મુજબ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં જનતાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એક પડકારરૂપ કાર્ય બની ગયું છે. એક બાજુ, સરકાર અને પોલીસ દ્વારા નિયમોનું સખત અમલ કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ ઘણાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે માર્ગ અકસ્માતમાં મોત થવા જેવી દુષ્કર્મો બની રહી છે. તેથી હાઇકોર્ટે ફરી એક વાર કડક વલણ અપનાવ્યું છે, જેથી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન મળે અને સલામતી વધે.
આ પણ વાંચો – ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!