Businessman Karshan Patel- ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનને વખોડતા તેમણે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું.પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, “પાટીદાર આંદોલનથી સમાજને કશું ખાસ પ્રાપ્તિ નહોતી. આ અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. એમાંથી જે આગેવાનો હતા, તેમને માત્ર પોતાના રાજકીય હિતો પૂરા કર્યા છે.
Businessman Karshan Patel- કરશન પટેલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આડકતરો ઈશારો કરતાં જણાવ્યું હતું કે, આ આંદોલનના લીધે પાટીદાર ની દિકરી આનંદી પટેલને મુખ્યમંત્રી પદ પણ છોડવું પડ્યું.આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય રોટલા શેક્યા તેનાથી સમાજને કોઈ ફાયદો થયો નથી. ત્યારે સવાલ કરતા તેમણે એમ પણ કહ્યું કે શું આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું? પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારોને હજી સુધી ન્યાય નથી મળ્યો.પાટણમાં આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવ પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાતમાં 2015માં પાટીદારોને અન્ય પછાત વર્ગમાં સમાવવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલન માટે ગુજરાતમાં અનેક દેખાવા યોજાયા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતૃત્વ હેઠળ, હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.