Nadiad Soda Scandal: નડિયાદ સોડાકાંડ: શિક્ષકે આપઘાત માટે ઝેરી પદાર્થ મગાવ્યો, મૂકબધિર પાડોશી પર કર્યો પ્રયોગ

Nadiad Soda Scandal

Nadiad Soda Scandal: નડિયાદમાં 28 દિવસ પહેલાં થયેલી ત્રણ વ્યક્તિઓના અચાનક મોત પાછળ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસની સઘન તપાસમાં ખુલાસો થયો કે આ ઘટનાના પાછળ શિક્ષકનો હાથ હતો. આરોપી હરિકિશન મકવાણા નામના શિક્ષકે સોડિયમ નાઇટ્રાઇટ નામક ઝેરી પદાર્થ ઓનલાઇન મગાવ્યું હતું, જેનો આપઘાત કરવા માટે ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ પહેલા તે જાણવા ઈચ્છતો હતો કે આ પદાર્થનો અસરો કેવી રીતે થાય.

આ માટે તેણે પડોશી મૂકબધિર કનુભાઈ ચૌહાણ પર પ્રયોગ કર્યો. તેણે જીરા સોડાની બોટલમાં ઝેર ભેળવી કનુભાઈને પીવા આપ્યું. કનુભાઈએ તે મિત્રો સાથે વહેંચી, જેના પરિણામે ત્રણેયના મોત નીપજ્યા.

પોલીસે 27 ફેબ્રુઆરીએ હત્યાનો ગુનો નોંધ્યો
9 ફેબ્રુઆરીએ નડિયાદના જવાહરનગર રેલવે ફાટક પાસે આ ઘટના બની. કનુભાઈએ જીરા સોડાની બોટલ પોતાની સાથે બેઠેલા બે મિત્રો યોગેશ કુશવાહ અને રવિન્દ્ર રાઠોડ સાથે વહેંચી. જીરા સોડા પીધા બાદ ત્રણેયની તબિયત લથડી, અને થોડી જ ક્ષણોમાં તેમનું મોત નીપજ્યું.

પ્રાથમિક તબક્કે આ ઘટનાને લઠ્ઠાકાંડ સાથે જોડવામાં આવી, કારણ કે મૃતકો દારૂ પીતાં હતાં. પરંતુ પીએમ રિપોર્ટ અને FSL તપાસમાં મિથાઈલ આલ્કોહોલ ન મળતાં પોલીસને નવાઈ લાગી. ત્યારબાદ ઝેરી પદાર્થનો ખ્યાલ આવ્યો અને 27 ફેબ્રુઆરીએ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ થઈ.

શિક્ષક હરિકિશન મકવાણાનું કાવતરૂ
પોલીસે મૃતકોના વિસેરા, જીરા સોડાની બોટલ, કપડાં અને ઉલટીના નમૂનાઓ FSLમાં મોકલ્યા, જ્યાં સોડિયમ નાઇટ્રાઇટની હાજરી મળી આવી. ત્યારબાદ પોલીસે હરિકિશન મકવાણાની પૂછપરછ શરૂ કરી, જેમાં તેણે ગુનો કબૂલ્યો.

આરોપી 20 વર્ષથી શિક્ષક હતો અને અત્યારે સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો. તે કોર્ટ કેસના તણાવમાં હતો અને આત્મહત્યા કરવાનો વિચારત હતો . જો કે, આત્મહત્યાથી વીમા ન મળે, એ સમજતા 21 જાન્યુઆરીએ એમેઝોન પરથી સોડિયમ નાઇટ્રાઇટ મગાવ્યું. પત્નીએ તેને આ પગલું ભરતાં અટકાવ્યો, પણ તે થોડો ઝેરી પદાર્થ છુપાવી રાખી દીધું હતુ.

મૂકબધિર પાડોશી પર અજમાવ્યું ઝેર
હરિકિશન મકવાણાએ આ ઝેરી પદાર્થ શું અસર કરે છે તે જોવા મૂકબધિર કનુભાઈને ટાર્ગેટ કર્યો. 9 ફેબ્રુઆરીએ જીરા સોડાની બોટલમાં ઝેર ભેળવી તેને પીવા આપ્યું. પણ કનુભાઈએ તે બોટલ મિત્રોને આપી, જેના કારણે ત્રણેયના મોત થયા.

આરોપી ભૂવાકાંડ (સોડિયમ નાઇટ્રાઇટથી થયેલી આગલી ઘટના) વિશે જાણતો હતો અને તેના પરિણામોથી વાકેફ હતો. ઘટનાના દિવસે તે કનુભાઈને હોસ્પિટલ લઈ ગયો હતો, જેથી શંકા ન આવે.

તહલકો મચાવનાર ગુનાનો પર્દાફાશ
પોલીસે CCTV ફૂટેજ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મના ડેટા દ્વારા તપાસ કરી અને હરિકિશન મકવાણાને ઝડપી પાડ્યો. અત્યારે તેના વિરુદ્ધ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

આ હૃદય કંપાવતી ઘટનાએ નડિયાદમાં ચકચાર મચાવી છે, અને ઝેરી પદાર્થોની સરળતાથી ઓનલાઈન ખરીદી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *