PGVCL safety instructions for Uttarayan : ઉત્તરાયણ પર્વ નજીક આવતા PGVCL દ્વારા નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વીજપોલ અથવા વીજળીના તાર પરથી પતંગ ઉતારતી વખતે ગંભીર ઘટનાઓ થાય છે, જેમાં કેટલાક લોકો જીવ ગુમાવે છે. આ ઘટના ટાળવા અને નાગરિકોની સાવચેતી વધારવા માટે PGVCLના અધિકારીઓએ સચેત રહેવા પર ભાર મૂક્યો છે.
PGVCLના ચીફ અધિકારી વી.જે. મહેતાએ જણાવ્યું કે લોકો સામાન્ય પતંગ માટે જીવલેણ જોખમ લેતા હોય છે. વીજ તાર પર લટકેલી પતંગ ખેંચવાના પ્રયાસે વાયર તૂટી શકે છે, જે જીવ પર જોખમ ઉભું કરે છે. તેમણે નાગરિકોને આ પ્રકારના જોખમથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.
કોઈ તૂટેલા વીજ તાર નજરે પડે તો કયાં સંપર્ક કરવું?
જો કોઈ તૂટેલો વીજ તાર જોવા મળે, તો નાગરિકોને તરત જ ટોલ ફ્રી નંબર 1800 233 155 333 અથવા 19122 પર સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. વોટ્સએપ પર માહિતી આપવા માટે 9512019122 પણ ઉપલબ્ધ છે.
સલામતી માટેના આદેશ:
પતંગ ચગાવતી વખતે વીજ તારોથી સુરક્ષિત અંતર જાળવો.
ચાઈનીઝ દોરા, મેગ્નેટિક ટેપ કે ધાતુની વસ્તુઓનો ઉપયોગ સખત મનાઈ છે, કારણ કે તે વીજ વાયરોને નુકસાન પહોંચાડે છે.
પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરતા પકડાઈ જશે તો ACT 2003 હેઠળ કલમ 181 મુજબ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.
PGVCLના અધિકારીએ નાગરિકોને અપીલ કરી છે કે પતંગની નાની ખુશી માટે પોતાનું જીવ અને સલામતી જોખમમાં ન મૂકે. સુરક્ષિત ઉતરાયણ ઉજવવા આ સલાહને માનવી મહત્વપૂર્ણ છે.