plane crash : ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થતા એક પાઇલટનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે બીજો પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. વાયુસેનાએ આ અકસ્માત પર ટ્વિટ કરી વિગતો જાહેર કરી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
તકનિકી ખામીને કારણે વિમાન થયુ દુર્ઘટનાગ્રસ્ત
ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, જામનગર એરફિલ્ડ પરથી ઉડાન ભરતું IAF જગુઆર 2-સીટર ફાઇટર વિમાન રાત્રિ મિશન દરમિયાન ક્રેશ થયું. ઉડાન દરમિયાન વિમાનમાં તકનિકી ખામી સર્જાતા પાઇલટ્સે તાત્કાલિક નિર્ધારિત પ્રોટોકોલ મુજબ વિમાનને રહેણાંક વિસ્તારમાંથી દૂર લઇ જવાની કોશિશ કરી. તેમ છતાં, વિમાન કાબૂમાં ન રહેતા તે જમીન પર પડતા આગમાં સ્વાહા થઈ ગયું.
એક પાઇલટ બચી ગયો, બીજાનો જીવ ગયો
વિમાન ક્રેશ થતા તેનાં ટુકડા થઈ ગયા અને તરત જ ભીષણ આગ લાગી. એક પાઇલટ સમયસર ઈજેક્ટ થવામાં સફળ રહ્યો, પરંતુ બીજાને બહાર નીકળવામાં મુશ્કેલી પડી, જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો. સ્થાનિક લોકોએ ઘાયલ પાઇલટને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અન્વેષણ શરૂ, શોકમાં વાયુસેના
અકસ્માતની માહિતી મળતા જ વાયુસેનાના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અને બચાવ દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે હજુ પણ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.