PM Modi Somnath Visit 2026 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ સમગ્ર દેવભૂમિ શિવમય બની ગઈ હતી. પીએમ મોદીએ સોમનાથમાં 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી.
PM Modi Somnath Visit 2026 સ્વાગત અને ભવ્ય રોડ શો (PM Roadshow in Somnath)
વડાપ્રધાનનું આગમન થતા જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા અને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસરી અને સફેદ ફૂલોથી શણગારેલી ખુલ્લી જીપમાં પીએમ મોદીએ રોડ શો શરૂ કર્યો હતો. આ જીપમાં પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ જોડાયા હતા. રોડ શો દરમિયાન ઉત્તરાખંડથી આવેલા ભૈરવનાથ ડમરુ મંડળના યુવાનોએ ડમરુ નાદ કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું.
મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું (Special Pooja at Somnath Temple)
રોડ શો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌ પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંદિરમાં ગર્ભગૃહમાં જઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવને પવિત્ર જળાભિષેક કર્યો હતો. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ વિશ્વ કલ્યાણની મંગલ કામના સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
₹75નો સ્મારક સિક્કો અને સ્મારક ટિકિટનું વિમોચન (Commemorative Coin & Stamp)
‘સોમનાથ અમૃતપર્વ’ના આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત કરેલી વિશેષ સ્મારક ડાક ટિકિટ અને રૂ. 75ના સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ડોમમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે. આ જનસભા માટે 25,000 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

